ગોધરામાં ભારે વરસાદને લીધે ઘરવખરી તણાઈ : ચોતરફ પાણી જ…
ગોધરા શહેરમાં વરસેલા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તમામ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ગોધરા શહેરના વાલ્મીકીવાસ અને સિંધીચાલીમાંથી પસાર થતી વરસાદી કાંસની કેનાલમાં પાણી ઓવરફ્લો થતાં આ વિસ્તારના ઘરોમાં અને મંદિરમાં પાણી ઘુસી ગયા હતા. ઉપરાંત ઘરવખરીના સામાનને ભારે નુકસાન થયું હતું. ગોધરા શહેરમાં અનરાધાર વરસેલા વરસાદને કારણે સિંધીચાલ ઘરોમાં અને દુકાનોમાં પાણી ફરી વળતાં ભારે નુકસાન થવા પામ્યું હતું. ત્યારે અહીંયા રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારી ઘરની પાછળના ભાગે મુખ્ય વરસાદી કાંસની કેનાલ આવી છે. જેમાં દર વર્ષે જેસીબી મશીન દ્વારા કે નગરપાલિકાના સફાઈ કામદારો પાસે સફાઈ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ગોધરા નગરપાલિકા દ્વારા આ વરસાદી કાંસની કેનાલ સફાઈ કરવામાં ન આવતાં ગોધરા શહેરના વાલ્મીકીવાસ, સિંધીચાલી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને હાલ આ વિસ્તારના લોકો પાણીમાં ભૂખ્યા-તરસ્યા રહેવા મજબૂર બન્યા છે. અમારા ઘરવખરીના સામાન સહિત કપડાંઓ-દાગીના અને રોકડ રકમ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે અહીં પસાર થતી વરસાદી કાંસની કેનાલની સત્વરે સફાઈ કરાવી પાણીનો નિકાલ કરવામાં આવે.
ગોધરા શહેરમાં મુશળધાર વરસાદ વરસતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે ગોધરા શહેરના વાલ્મીકીવાસ, નવા તીરઘરવાસ, ઢોલીવાસ, સિંધીચાલી સિંધુરીમાતા મંદિર, છકડાવાસ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આ વિસ્તારો જળમગ્ન થઇ ગયા હતા. ત્યારે અહીં પસાર થતી વરસાદી કાંસની કેનાલ ચારેય બાજુના પાણીથી ઓવરફ્લો થતાં આ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીના સામાનને ભારે નુકસાન થયું હતું. જેના પરિણામે આ વિસ્તારના લોકોએ અહીંથી પસાર થતી વરસાદી કાંસની કેનાલમાં સાઈડમાંથી તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.