હિમાચલમાં આકાશી આફતને કારણે તબાહી, કુલ્લુ-મનાલીમાં મકાનો-દુકાનો પૂરમાં ધોવાયા
હિમાચલ પ્રદેશમાં આકાશી આફતને કારણે તબાહી મચી છે. રાજ્યના મનાલી, કુલ્લુ, સોલન, મંડી, શિમલા, ચંબા સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહે છે. નદીમાં આવેલા પૂરના કારણે કેટલાય ઘર અને હોટલ પાણીમાં ધોવાઈ ગયા છે. જે દુકાનો દ્વારા લોકોને રોજગારી મળતી હતી તે હવે ધોવાઈ ગઈ છે. લોકો દ્વારા દુકાન, મકાન અને હોટલ બનાવવા માટે બેંક પાસેથી લોન લેવામાં આવી હતી. જેમણે લોન લઈને દુકાન, મકાન અને હોટેલ બનાવી છે તેઓની ચિંતામાં વધારો થયો છે. આવા લોકોને હવે મહિનાના અંતમાં EMI ચૂકવવો પડશે. બેંક લોન દ્વારા બનાવેલા મકાનો હવે ધ્વસ્ત થયા છે. ચારે બાજુ માત્ર કાટમાળ જોવા મળી રહ્યો છે.
હિમાચલ પ્રદેશમાં પૂરના કારણે અત્યાર સુધીમાં ૮૮ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ચોમાસામાં ૧૭૦ મકાન, હોટેલ અને અન્ય ઈમારતો સંપૂર્ણપણે નાશ પામી છે. ૩૫૦ મકાનોને એવું નુકસાન થયું છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.
અત્યાર સુધી ચોમાસાના કારણે માત્ર હોટલ, દુકાનો અને મકાનોને અંદાજે ૧૦૫૦ કરોડનું નુકસાન થયું છે. તેમાંથી લગભગ ૭૦૦ કરોડ રૂપિયા બેંકો પાસેથી લીધેલી લોન છે, જે લોકોએ હોટલ, દુકાનો અને ઘર બનાવવા માટે લીધી છે. હિમાચલમાં રસ્તાઓ ધોવાઈ જવાના કારણે આગામી સમયમાં પ્રવાસનને પણ અસર થવાની સંભાવના છે. ઘણી જગ્યાએ લોકોની હોટલો છે, પરંતુ તે તરફ જતા રસ્તાઓ અને હાઈવે ધોવાઈ ગયા છે. બાંધકામ માટે લીધેલી લોનના હપ્તા દર મહિને ચૂકવવાના હોય છે ત્યારે આવા સંજોગોમાં બેંક કે હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી નથી. હિમાચલ પ્રદેશ સરકાર અલગ-અલગ વિસ્તારોમાં એવા લોકોને ૧ લાખથી દોઢ લાખ રૂપિયાની તાત્કાલિક રાહત આપી રહી છે જેમના ઘર કે ઈમારત સંપૂર્ણપણે બરબાદ થયા છે. જેમની ઈમારતોમાં આંશિક નુકસાન કે તિરાડો પડી ગઈ છે તેમને પણ ૧૫ થી ૨૦ હજાર રૂપિયાની તાત્કાલિક રાહત આપવામાં આવી રહી છે.