ભુજમાં ૨૨ કરોડ ખર્ચયા છતાં ગટરની સમસ્યા જેમની તેમ
ભૂકંપ પછી શહેરમાં નવી અને જૂની વસાહતોને સાંકળતી ગટરની લાઈન પાથરવામાં આવી હતી, જેમાં ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચને સાથે રાખી સંકલનથી કામ થયું ન હતું, જેથી લાઈન પાથરવામાં લેવલ જળવાઈ નથી. બીજી તરફ ભૂકંપને ૨૦ વર્ષ વીતી ગયા છે એ સમયગાળા દરમિયાન ગામડામાંથી ભુજ શહેરમાં આવીને વસનારાની સંખ્યા અકલ્પનીય રીતે વધી ગઈ. જેનો અંદાજ કદાચ નવી લાઈન પાથરતી વખતે રખાયો ન હતો અને બે દાયકા જેટલો સમય વીતી ગયો છે, જેથી જૂની લાઈનની ક્ષમતાથી બમણું નહીં પણ ત્રણથી ચાર ગણું વહન થવા લાગ્યું છે, જેથી ગટરની ચેમ્બર ઉભરાવવાની સમસ્યા વરી છે. હકીકતમાં વસાહતો અને મકાનો વધે એ સાથે લાઈન અને ચેમ્બરની ક્ષમતા વધારવી પડે. જેના ઉપર પૂરતું ધ્યાન અપાયું જ નથી. આ અગાઉ ૨૦૧૫થી ૨૦૧૮ દરમિયાનના ઈજનેરે એ બાબતે અવારનવાર રજુઆતો કરી હતી. પદાધિકારીએ ભંડોળના અભાવે એ દિશામાં કામ કરી શકતા ન હતા.
જોકે, એ દરમિયાન નવી ગટર વ્યવસ્થા માટે ૩૫ કરોડની ગ્રાન્ટ આવી હતી, જેમાં એવા વિસ્તારો સમાવેશ કરી શકાયા ન હતા. જોકે, ૩૫ કરોડની ગ્રાન્ટમાંથી ૨૨ કરોડ રૂપિયા જ ખર્ચાયા છે, જેથી વધેલી ૧૩ કરોડ રૂપિયાની બચત ગ્રાન્ટમાંથી એ દિશામાં કામ થાય એ જરૂરી છે. લોકો અને વિપક્ષ દ્વારા અવાર નવાર ગટરની સમસ્યાની રજુઆત આવે છે. આમ છતાં ઉકેલ કેમ આવતો નથી. એવું નગરપતિ ઘનશ્યામ આર. ઠક્કરને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ક્ષમતા વધારવાની જરૂર છે એવી લાઈન અને ચેમ્બરનો સર્વે ચાલુમાં છે. નગરપાલિકાના અને અમૃતના ઈજનરો સાથે એ મુદ્દે વાત થઈ ગઈ છે.
ભુજ મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યએ એ માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી, જેથી બચેલા ૧૩ કરોડ રૂપિયા એવા કામો પાછળ ખર્ચવા ર્નિણય લેવાશેભુજ શહેરમાં છેલ્લા પાંચેક વર્ષથી ગટરની સમસ્યા ઉત્તરોત્તર વકરતી જાય છે. જે વચ્ચે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ૩૫ કરોડના ખર્ચે ગટરના કામો શરૂ કરાયા હતા, જેમાં ૧૩ કરોડ બચ્યા છે, જેથી ફરીથી નવી લાઈન નાખવા અને પાઈપના ડાયા મીટર વધારવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી પાઈપ બેસી જવા અને ચેમ્બર ઉભરાવવાની સમસ્યામાંથી છૂટકારો મળે. આમ, વધતી વસતી સાથે લાઈન અને ચેમ્બરની ક્ષમતા વધારાઈ નથી એનું જ્ઞાન ભુજ નગરપાલિકાને હવે કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ લાધ્યું છે.