દેશી અને બોલ્ડનો સંગમ ગુજરાતી ફિલ્મ ‘હલ્કી ફૂલકી’
પીઢ અભિનેતા મનોજ જોશીએ હમણાં જ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ
‘હલકીફુલકી’ માટે લખ્યું હતું. તેમણે લખ્યું હતું કે, ‘દસકાઓ પછી કોઈ ગુજરાતી દિગ્દર્શકે આવી હિંમત કરી છે કે કોઈ મારધાડ નહીં અને ક્યાય પુરુષને પ્રાધાન્ય નહીં અને પુરુષ વર્ગનો અનાદર પણ નહીં તેમ છતાં ઉડીને આંખે વળગે એવી ફિલ્મ…’ ફિલ્મનું નામ ભલે હળવું લાગતું હોય પરંતુ ફિલ્મમાં કેન્દ્ર સ્થાને સમાજને મૂકી દેવાયો છે અને તમને એ સિનેમાઘરોની બહાર ખાલી હાથે નીકળવા નથી દેતી.
નટસમ્રાટ અને ગુજરાત-૧૧થી જાણીતા થયેલા ડાયરેક્ટર જયંત ગિલાટર આ ફિલ્મ નવો જ વિષય લઈને દર્શકો સમક્ષ આવ્યા છે. એક વોટ્સગૃપનો સહારો લઈને આખીય વાત પ્રેક્ષકો સુધી મૂકી છે. આજની પેઢીને રસ પમાડે એવી સ્ટોરી ટેક્નિક અને માતાજીના નવ સ્વરૂપને પ્રતીક ગણીને નવ સ્ત્રીઓ આ ગૃપની મેમ્બર છે. જીવનમાં બની શકે એ પ્રકારની દરેક ઉથલપાથલ આ સ્ત્રીઓ અનુભવે છે પરંતુ ફિલ્મમાં કોઈએ નબળા સૂરમાં વાત કરી હોય એ ભાગ્યે જ જોવા મળે છે. ફિલ્મ જોતા કચ્છીની એક કહેવત યાદ આવી જાય : નંઢી ગાલ જ નાય!
હલકી ફૂલકી ફિલ્મ જામનગરના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબાના 20 વર્ષીય ભાઈ શત્રુદ્નસિંહ સોલંકી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મોનો સ્ક્રીનપ્લે લેખક પત્રકાર આશુ પટેલ અને ડાયલોગ લેખક ગીતા માણેકે લખ્યા છે. લોકડાઉન અને કર્ફ્યૂ દરમિયાન જામનગર અને રાજકોટમાં ફિલ્મનું મોટાભાગનું શૂટિગ કરવામાં આવ્યું છે.
બિહાઈન્ડ ધી સીનની એક રસપ્રદ વાત વાંચવા મળેલી કે પિક્ચરમાં ફિલ્મમાં ‘ગાયત્રી’નું કેરેક્ટર ભજવનાર રચના પકાઈ પોતાનું વજન ઉતારવા માટે મહેનત કરી રહ્યા હતા અને આ પિક્ચરમાં રોલ ઓફર થવાથી એમણે પોતાનું વજન ૧૨ કિલો જેટલું વધાર્યું હતું. તો બીજા એક અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, હજુ તો ફિલ્મના માંડ શ્રી ગણેશ જ થયા હતા ને અકસ્માત સર્જાઈ ગયો. વાત કાંઈક એમ હતી કે, શૂટિંગ દરમિયાન હેવી બાઈક સ્લીપ થવાથી બાઈક પર સવાર અભિનેત્રી અને ચાર વર્ષની નાનકડી બાળકી બંને જે રીતે પડ્યા એ જોઇને ડાયરેક્ટરે પણ એમની દિશામાં દોટ મૂકી અને એમાં એમના પગ રસ્તામાં પડેલા કેબલમાં અટવાઈ જતા એ પણ જમીન પર પટકાયા. પછડાટને લીધે એમને સ્ટીચીસ અને ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ થઈ.
જયંતભાઈએ પોતાની ઈજાઓ તરફ લક્ષ ન લીધું પરંતુ લોહી વહેવાનું બંધ થતું ન હોવાથી એમને ફરજીયાત હોસ્પિટલ લઈ જવાયા. દસ દિવસનો બેડરેસ્ટ ફરમાવવામાં આવ્યો પરંતુ હિંમત હારે તો જયંતભાઈ શાના? જો એ વખતે બેડરેસ્ટ લેવાઈ ગયો હોત તો પિક્ચર માટે એ રેસ્ટ ‘રેસ્ટ ઈન પીસ’ સાબિત બન્યો હોત.
સહપરિવાર હળવું મનોરંજન આપતી આ ફિલ્મની ખાસ વાત એ તમને ક્યાંક બોલ્ડ અને મોર્ડન જણાશે તો ક્યાંક એ દેશી અને બ્યૂટીફુલ જણાશે. આ ફિલ્મનું શૂટિંગ કોરોનાના કપરા કાળ દરમિયાન આનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ‘સર’ જાડેજાના અવાજમાં રિલીઝ થયેલા ટીઝરે સૌનું ધ્યાન ખેચ્યું હતું તો ફિલ્મમાં શૂટિંગ પણ રવીન્દ્ર જાડેજાના બંગલાના દ્રશ્યો અને લખોટા તળાવ પણ જોવા મળશે.
રીવાબાના ભાઈ શત્રુધ્નસિહ સોલંકી આ ફિલ્મના પ્રોડ્યુસર છે. નોંધનીય વાત એ છે કે એ અત્યાર સુધીના ગુજરાતી ફિલ્મના યંગેસ્ટ પ્રોડ્યુસર બન્યા છે. ફિલ્મનું મ્યુઝીક પણ નોંધપાત્ર છે. ફિલ્મના ડાયલોગ્સ જાણીતા લેખિકા ગીતા માણેકે લખ્યા છે.