રાજકોટમાં ડેન્ગ્યૂ-ચિકનગુનિયાના ઘરે-ઘરે માંદગીના ખાટલા
રાજકોટમાં રોગચાળો બેકાબુ છે અને તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે. પરંતુ વાસ્તવિક આંકડો જુદો છે. શહેરમાં રોગચાળાને અટકાવવામાં તંત્ર ઉણું ઉતર્યુ છે અને પૂર્વ વિસ્તારમાં ગંદકીને કારણે સ્થિતિ બેકાબુ બની છે. ત્યારે રોગચાળાને લઇને નક્કર આયોજન થાય તે જરૂરી છે.રાજકોટમાં ભારે વરસાદને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે.શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી અને પાણી ભરાયેલા હોવાથી ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસ વધ્યા છે. અને ઘરે ઘરે માંદગીના ખાટલાં છે. જોકે તંત્રના ચોપડે સબ સલામત છે. કોંગ્રેસે મનપા સામે રોગચાળાના આંકડા છુપાવતા હોવાનો આક્ષેપ કર્યો. રાજકોટમાં જોરદાર વરસાદ પડ્યાં બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે.શહેરમાં રોગચાળો બેફામ બન્યો છે.હોસ્પિટલોમાં લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે.
તંત્રના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં ડેગ્યુંના ૨૦ કેસ ચીકનગુનિયાના ૪ કેસ જ્યારે મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. સાથે સાથે વાયરલ તાવના ૫૦૦થી વધારે કેસ નોંધાયા છે. રાજકોટની સિવીલ હોસ્પિટલમાં વધતા રોગચાળાને જોતા ખાસ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. આ તરફ વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી છે, સ્થાનિક કોર્પોરેટરનો આક્ષેપ છે કે વરસાદ બાદ મચ્છરની ઉત્પતિ રોકવા માટે તંત્ર માત્ર વાતો કરે છે. પરંતુ વાસ્તવિકતા ખૂબ જ અલગ છે. આ તરફ રોગચાળાને લઇને રાજકારણ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે હાલમાં માંદગી દરેક ઘરમાં છે. મિશ્ર ઋતુના કારણે રોગચાળો વધી રહ્યો છે . જોકે મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ આંકડાઓ છૂપાવી રહ્યા છે. બીજી તરફ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને આંકડાઓ છુપાવવાની વાતને નકારી હતી. અને રાજકોટમાં મચ્છરોની ઉત્પતિ રોકવા માટે વિવિધ આયોજનો થતા હોવાનો દાવો કર્યો હતો.