ભારે વરસાદથી મગફળી, સોયાબીનનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની સહાયની માંગ
રાજ્યભરમાં આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે, જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. માંગરોળના વાડલા ગામમાં ભારે વરસાદથી ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો છે સાથે સાથે પશુઓના ઘાંસચારો પણ નાશ પામ્યો છે. જેથી ખેડૂતોને પડ્યા પર પાટુ પડી હોય તેવો ઘાટ ઘડાયો છે.
ચોમાસાની સીઝનમાં આ વિસ્તારના ખેડૂતોની ખેતીનો મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકનું બિયારણ પણ તણાઈ જતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે સહાય પેકેજની માંગ કરી છે.જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ થયો હતો. જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માંગરોળના વાડલા ગામના ૬૦ થી ૭૦ જેટલા ખેડૂતોની મગફળી ,સોયાબીન સહીતનો તમામ પાક નિષ્ફળ ગયો છે. તેમજ હાલ જે બાકીનો પાક છે તેમાં પણ પાણી ભરાયેલા હોવાથી પાક ફેઇલ જવાની ભીતિ જોવા મળી રહી છે.