રાજકોટમાં ખતરનાક હાઈડ્રોકલોરીક એસીડ આવતા ફરિયાદ નોંધાઈ
રાજકોટ : બામણબોર જીઆઈડીસીમાં બંધ થઇ ગયેલ કેમિકલ ફેકટરીના નામે કોઇએ હાઇડ્રોક્લોરિક એસિડનું ટેન્કર મંગાવતા ઉદ્યોગપતિએ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસે ટેન્કર ચાલક સહિતના લોકો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ ૧૪ માર્ચના રોજ તેણે ધંધો બંધ કરી દીધો હતો.
જેની જાણ તેમના દ્વારા જીપીએસબી સુરેન્દ્રનગરને પણ કરવામાં આવી હતી. જેથી તેના અધિકારીઓએ ૨૩ માર્ચના રોજ તેની ફેકટરીની રૂબરૂ સ્થળ મુલાકાત કરી મશીનરી ડીસમેન્ટલ થઈ ગઈ હોવાનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું. બે દિવસ પૂર્વે તેઓ પોતાની ફેકટરીએ હાજર હતા ત્યારે ટેન્કર ચાલકે આવી પૂછ્યું કે, આ માલ કઈ જગ્યાએ ખાલી કરવાનો છે. જેથી તેણે કાગળો જાેતા તેઓ ચોંકી ગયા હતા. કારણ કે તેની ફેકટરીના નામે કોઈ માણસોએ ખોટુ બીલ બનાવી હાઈડ્રોકલોરીક એસીડ મંગાવ્યું હતું. જેથી આ અંગે તેમના દ્વારા તાત્કાલિક એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી. કાગળો જાેતા તેમાં ટેકસ ઈનવોઈસ મળ્યું હતું. જેમાં હાઈડ્રોકલોરીક એસીડનો નિકાલ કરનાર પાયલ પોલીપ્લાસ્ટ પ્રાઈવેટ લીમીટેડ (પ્લોટ નં-ડી-૨/સીએચ-૨ જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એરીયા, તા. વાગરા, જિ.ભરૂચ દહેજ) હતું. બીલ ટુ પાર્ટીનું નામ જય અંબે કેમીકલ (યુ-૮, બીજાે માળે, પિંક સીટી, અંધજન કલ્યાણ કેન્દ્ર, રાણીપ, જિ.અમદાવાદ) ના જીએસટી નંબર હતા. જયારે શીપ ઓફ પાર્ટીમાં તેની કંપનીનું નામ, સરનામું અને જીએસટી નંબર વગેરે હતા. બીલ ઉપર રાઉન્ડ સીલ માર્યું હતું. જેમાં પાયલ પોલીમર પ્રાઈવેટ લીમીટેડ લખેલું હતું. તેની પાછળ તેના જ ઈન્વર્ડ અને આઉટવર્ડનો સિક્કો મારેલો હતો. ત્રણ બીલમાં કોપી હતી. આ રીતે સુવ્યવસ્થિત કૌભાંડ આચરી જાેખમી પ્રદુષિત ઔદ્યોગિક એસીડની વ્યાખ્યામાં આવતા હાઈડ્રોકલોરીક એસીડને ખોટા બીલો બનાવી તેની કંપનીના નામે મંગાવવામાં આવ્યું હતું.હાલ એરપોર્ટ પોલીસે ટેન્કર ચાલક રજનીશ દ્વારીકાપ્રસાદ પટેલ (રહે. રેવા, મધ્યપ્રદેશ), જય અંબે અને પાયલ પોલીપ્લાસ્ટના જવાબદારો તેમજ કૃણાલ રોડલાઈનના જવાબદારો સામે આઈપીસી અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમોની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.