ભાભરના રૂણી ગામ ફરીવાર કેનાલમાં ગાબડું : ખેડુતોને નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી નર્મદાની કેનાલ બનાવવામાં આવી છે. ત્યારથી સરહદી વિસ્તારના ખેડૂતોને વાવેતરમાં સારો એવો ફાયદો થઇ રહ્યો છે. કેનાલોમાં અવારનવાર ગાબડાં પડવાના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ખાસ કરીને માઇનોર કેનાલમાં પાણી છોડતાની સાથે જ અનેક જગ્યાઓ પર કાગળની જેમ કેનાલો તુટી રહી છે. જેના કારણે સરહદી વિસ્તારના ખેડૂતોને વારંવાર ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે નુકસાન વેઠવાનો વારો આવે છે.ભાભર તાલુકાના રૂણીથી ચેમ્બુવા માઇનોર કેનાલમાં આજે સવારથી જ ગાબડું પડ્યું હતું. તેના કારણે પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતને પોતાના પાકમાં મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વારંવાર પડી રહેલા ગામડાઓના કારણે ખેડૂતો પણ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા વારંવાર સુરતી કેનાલ પર યોગ્ય રીપેરીંગ કરવામાં આવે તો જ આવનારા સમયમાં ખેડૂતોને નુકસાનમાંથી મુક્તિ મળી શકે તેમ છે.
બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલના ગાબડું પડવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે આજે ભાભર પાસેના રૂણી ગામ પાસે વધુ એક ગાબડું પડતાં ખેડૂતને મોટુ નુકસાન પહોંચ્યું છે. આ બાબતે ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં આજદિન નિકાલ આવ્યો નથી, જેના કારણે વારંવાર કેનાલ તૂટી રહી છે. ત્યારે આજે ભાભર તાલુકામાંથી પસાર થતી કેનાલમાં વધુ એક ગાબડું પડ્યું હતું.