આગામી ૩ દિવસ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી
ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ થયો છે. મેદાની રાજ્યોમાં ગુજરાતનું નલિયા સૌથી વધુ ઠંડુગાર સાબિત થયું છે. આબુમાં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાઇક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. રાજ્યભરમાં શીતલહેર શરૂ થઈ છે. જેના કારણે નલિયામાં ૫.૧ ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં ૯, અમદાવાદમાં ૧૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેથી આગામી ૩ દિવસ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની રાજ્યોમાં ગુજરાતનું નલિયા ૫.૧ ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
૨૩ જાન્યુઆરી સુધી પાકિસ્તાન પર છવાયેલું સાઇક્લોનિક સરક્યુલેશન ઉત્તરના કાતિલ પવનોને અટકાવતું હતું પરંતુ હવે તે પૂર્વમાં આગળ વધી જતાં ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં લઘુતમ તાપમાનમાં ૩ થી ૭ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. નલિયાનું લઘુતમ તાપમાન ૧૩.૩ ડિગ્રીથી ઘટીને ૫.૧ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં આજે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જાેવા મળ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભારત-પાકિસ્તાન સરહદ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે.
જેના કારણે આગામી ત્રણથી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ૪ ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. હવામાન વિભાગે કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરી છે. જ્યારે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડવાની આગાહી કરાઈ છે. આ સાથે આજથી ૨૬ જાન્યુઆરી દરમિયાન લઘુતમ તાપમાન ૪ ડિગ્રી સુધી ગગડતાં ઠંડીના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.