અમદાવાદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર પહેલાં બાળકોનો સર્વે કરાયો
૧૦૬૮ બાળકો હાઇરિસ્કવાળા હોવાનું ખૂલ્યું
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા વિસ્તારમાં બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં અંદાજે દોઢ લાખ બાળકોનો સર્વે કરાયો છે. જેમાં ૦ થી ૫ વર્ષના બાળકોનો સમાવેશ થાય છે. આ સર્વેમાં ૧૦૬૮ બાળકો હાઈરિસ્કવાળા હોવાનું માલુમ પડ્યું હોવાનો ખુલાસો થયો છે, જ્યારે ૭૬૧ બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે. ૨૨૫ બાળકો અતિ કુપોષિત, જ્યારે ૫૩૬ બાળકો કુપોષિત હોવાનું સર્વેનું તારણ છે.
અમદાવાદના તમામ તાલુકાઓમાં ૦થી ૫ વર્ષના બાળકોની સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓના બાળકોના સર્વેલન્સની કામગીરી તાલુકા હેલ્થ ઓફિસરને સોંપવામાં આવી છે, જેને લઈને આંગણવાડી બહેનો, આશા વર્કર્સ બહેનોને તેમજ વિવિધ ડૉક્ટર્સની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કલેક્ટર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કેસ અંદાજે દોઢ લાખ બાળકોનો સર્વેમાં કિડની, કેન્સર, થલેસેમિયા, જેવી બીમારીના ૩૦૭ જેટલા બાળકો પણ મળી આવ્યા છે. એટલું જ નહીં, જન્મથી જ તકલીફવાળા ૨૧૮ બાળકો હોવાનું સામે આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર કોરોના વાઈરસને લઈને પાણી પહેલા પાળ બાંધવાની શરૂ કરી દીધી છે. સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાં નાના બાળકો પ્રભાવિત થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે જેને લઈને અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને ત્વરિત સારવાર મળી રહે અને મૃત્યુઆંક ઘટાડી શકાય તે દિશામાં કામગીરી શરૂ કરી છે.
૦થી ૫ વર્ષના બાળકોમાં વજન, ઊંચાઈ, બાળકને કોઈ રોગ છે કે કેમ, બાળકનું ઓક્સિજન લેવલ તેમજ ટેમ્પરેચર આ તમામ વિગતોની સાથે હાઈરિસ્કવાળા બાળકોનું એક લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે, જેના આધારે સંભવિત ત્રીજી લહેર આવે તો હાઈરિસ્કવાળા બાળકોને ર્રિસવ ક્વોરોન્ટાઈન કરીને બાળકોને સુરક્ષિત રાખી શકાય અને કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને થનારું નુકસાન ઘટાડી શકાય.