વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા નરોડા ફાયર સ્ટેશનના જવાનો સાથે ‘સુરક્ષાબંધન’ની ઉજવણી
ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનની ઉજવણી સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. ત્યારે શહેરની જાણીતી સામાજિક સંસ્થા વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ હરોળના યોદ્ધાઓ એવા ફાયરના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.
વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સુરક્ષાબંધન અંતર્ગત ફાયરના જવાનોની રક્ષા કાજે પ્રાર્થના કરી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સતત ત્રીજા વર્ષે સંસ્થાની બહેનો દ્વારા ફાયરના જવાનોના હાથે રાખડી બાંધી પોતાના જીવને જોખમમાં મૂકી શહેરીજનોની રક્ષા કરતા ફાયર બ્રિગેડના જવાનોના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
આ ઉજવણી પ્રસંગે સંસ્થાની 15 જેટલી બહેનોએ નરોડા ફાયર બ્રિગેડના જવાનોના હાથે રાખડી બાંધી હતી, તો ફાયરના જવાનોએ બહેનો સહિત સમગ્ર બહેનોની રક્ષાનું વચન આપ્યું હતુ.
આ પ્રસંગે નરોડા ફાયર સ્ટેશનના સ્પેશિયલ ફાયર ઑફિસર નૈતિક ભટ્ટે શહેરીજનોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી કોરોના મહામારીમાં જે મહત્વનું કાર્ય કર્યું છે તે મેડિકલ સ્ટાફ અને તેમાં પણ ખાસ કરી નર્સિંગ સ્ટાફની બહેનો તથા સામાજિક કાર્ય સાથે સંકળાયેલી તમામ બહેનોને ભગવાન કુશળ અને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના કરી સુરક્ષાનું વચન આપ્યું હતુ.