ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૩ની ઉજવણી

‘વસુધૈવ કુટુંબકમ્ માટે યોગ, હર ઘરના આંગણે યોગ’ થીમ પર યોગ દિવસની ઉજવણી કરાઈ

મંત્રી બળવંતસિંહ રાજપૂત અને અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર સહિત ૨૦૦૦થી વધુ લોકોએ યોગ કર્યા

યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે, યોગ થકી સમાજને નિરોગી અને સ્વસ્થ બનાવી શકાય છે: ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત

અમદાવાદઃ સમગ્ર વિશ્વના ૧૮૦ જેટલા દેશ આજે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વસુધૈવ કુટુંબકમ્ માટે યોગ, હર ઘરના આંગણે યોગ’ની થીમ પર ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે, યોગ થકી સમાજને નિરોગી અને સ્વસ્થ બનાવી શકાય છે. જેથી ભારતમાં યોગનું ખૂબ જ મહત્વ છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

ઉદ્યોગમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં યોગ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મૂક્યો હતો અને ગણતરીના મહિનાઓમાં જ ભારત સહિત વિશ્વના ૧૦૦થી વધુ દેશોએ ૨૧મી જૂન ૨૦૧૫થી યોગ દિવસની ઉજવણી કરવાનો પ્રારંભ કર્યો હતો, જે વધીને કુલ ૧૮૦ જેટલા દેશો થયા છે, જે આજે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. આ ભારત માટે ખૂબ જ ગૌરવની વાત છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ઉદ્યોગમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વસુધૈવ કુટુંબકમ્ માટે યોગ એટલે કે વિશ્વ એક પરિવાર છે અને પરિવારના સ્વાસ્થ્ય અને વિકાસ માટે યોગ અનિવાર્ય છે. આ સફળ કાર્યની શરૂઆત ભારતે કરી છે, જેથી ભારત આજે વિશ્વ ગુરૂ બન્યો છે, સાથે જ તમામ પરિવારોનું સ્વાસ્થ્ય નિરોગી રહે તે માટે યોગ થકી સૌનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ રોજ સવારે અથવા સંધ્યાના સમયે ૩૦મિનિટ યોગ કરવા માટે ફાળવવી જોઈએ. જેથી વ્યક્તિના તન અને મન બંનેનો વિકાસ થાય છે અને જ્યારે દરેક નાગરિકનો વિકાસ થાય છે ત્યારે દેશનો વિકાસ થાય છે.

યોગ વિદ્યા થકી સ્વસ્થ જીવન કેવી રીતે જીવી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણા ઋષિમુનિઓએ પૂરૂં પાડ્યું છે, આપણી પ્રાચીન પરંપરાની શક્તિ આજે સંપૂર્ણ જગત અનુભવી રહ્યું છે. જેથી આપણે સૌ આપણી સંસ્કૃતિનું જતન કરીએ અને પોતે પણ યોગ કરીએ અને લોકોને પણ યોગ કરવા પ્રેરણા આપીએ. –  તેમ અંતે ઉદ્યોગમંત્રીએ ઉમેર્યું હતું.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સુરતમાં રાજ્યકક્ષાની ઉજવણીનો શુભારંભ  મુખ્યમંત્રીએ કરાવ્યો તેનું જીવંત પ્રસારણ તમામ નાગરિકોને દર્શાવાયું હતું. સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિડિયો સંદેશ પણ તમામ લોકોને દર્શાવાયો હતો.

 

ઉદ્યોગમંત્રી સહિતના મહાનુભાવોએ ૨૦૦૦થી વધુ લોકો સાથે કોમન યોગ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને યોગ કર્યા હતા.

યોગ ઉજવણીના શુભ અવસરે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, સાંસદ હસમુખ પટેલ, અમ્યુકોના કમિશનર એમ. થેન્નારસન, અધિક મુખ્ય સચિવ (ગૃહ) મૂકેશ પુરી, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ,  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, દંડક મ્યુનિ. (શાસક પક્ષ) અરૂણસિંહ રાજપૂત, તેમજ ગુજરાત યોગ બોર્ડના અધિકારીઓ, અન્ય મહાનુભાવો, નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news