સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, ઠાકરાસણ અને નાંદોત્રી ગામમાં શાળા પ્રવેશોત્સવનો શુંભારભ કરાવતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત


શાળા પ્રવેશોત્સવથી આજે શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છેઃ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત


કોઈપણ બાળક શિક્ષણથી વંચિત રહી ના જાય તે માટેની અદભુત વ્યવસ્થા રાજ્ય સરકાર કરી રહી છે – કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત


પાટણઃ ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની…’’ શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ અંતર્ગત   પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, ઠાકરાસણ અને નાંદોત્રી ગામ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. શાળાના પટગણામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું કુમકુમ કરીને સ્વાગત કરવામાં આવ્યું.  કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે ગણેશપુરા, ઠાકરાસણ અને નાંદોત્રી ગામની શાળાઓમાં નાના ભુલકાઓને પ્રવેશ કરાવ્યો હતો.

“૨૧મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪” અંતર્ગત ગુજરાત સરકારના ઉદ્યોગ, એમ.એસ.એમ.ઈ., કુટીર ઉદ્યોગ, ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ મંત્રી બલવંતસિંહ રાજપુત પાટણ જિલ્લા સિદ્ધપુર તાલુકામાં ગણેશપુરા ગામે પ્રાથમિક શાળામાં રહ્યા હતા.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતને ગણેશવંદના, પ્રેરણાદાયી “મનુષ્ય તું બડા મહાન હૈ” ગીતથી થયેલ મીઠો આવકાર આપવામાં આવ્યો હતો. ગણેશપુરા પ્રાથમિક શાળા ખાતે  વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત કાર્યક્રમ, લર્નિંગ કોર્નર, વૃક્ષારોપણ, સ્માર્ટ ક્લાસરૂમ અને ગ્રામજનોના ઉત્સાહે બાળકોની શૈક્ષણિક યાત્રાને યાદગાર બનાવશે.

આ શાળામા હાલ ૪૧૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, આજે પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડીમાં ૦૮, બાલવાટિકામાં ૬૮, ધોરણ-૧ માં ૩૩, ધોરણ-૯માં ૪૯ એમ કુલ ૧૫૮ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જે પૈકી ૮૬ કુમાર અને ૭૨ કન્યાઓ છે. મંત્રી બલવંતસિંહે ગામમાં ૧૦૦% શિક્ષણની નેમ સાથે ઉજ્જવળ ભવિષ્યની સૌ ભૂલકાંઓને શુભકામનાઓ પાઠવી હતી.

પાટણ જિલ્લામાં પ્રવેશોત્સવ 2024 અંતર્ગત સિદ્ધપુર તાલુકાના ઠાકરાસણ ગામની ઠાકરાસણ -૩ આંગણવાડીમાં “પા-પા પગલી પ્રોજેક્ટ” હેઠળ આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત ૦૯ ભૂલકાંઓને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પ્રવેશ અપાવ્યો હતો.

આંગણવાડીમાં ૩થી ૫ વર્ષના બાળકોને રમતો, પ્રવૃત્તિઓના આધારે અનૌપચારિક શિક્ષણ આપવાની સાથે સવારે અને બપોરે પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવામાં આવે છે. ઉપરાંત, “મારી વિકાસયાત્રા” દ્વારા બાળકના સર્વાંગી વિકાસની દેખરેખ રાખવાની કામગીરી થાય છે. આ પ્રસંગે શંભુભાઈ ઉપસ્થિત રહ્યાં હતા.

સમગ્ર ગુજરાતમાં આયોજિત “૨૧ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪” અંતર્ગત પાટણના સિદ્ધપુર તાલુકાના નાંદોત્રી ગામે માધ્યમિક શાળા ખાતે પણ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા.

સ્વાગતગીત, કન્યા કેળવણી અને પર્યાવરણ પ્રત્યે ગ્રામજનોની જાગૃતિ, ગ્રામજનોના ઉત્સાહે બાળકોની શૈક્ષણિક યાત્રાને યાદગાર બનાવી.

હાલ આ શાળામાં પ્રાથમિકમાં ૨૦૬ અને માધ્યમિકમાં ૯૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આજે પ્રાથમિકશાળાની આંગણવાડીમાં ૦૨, બાલવાટિકામાં ૧૮, ધોરણ-૧માં ૨૪, ધોરણ-૯માં ૧૭ એમ કુલ ૬૧ અને માધ્યમિકશાળામાં ધોરણ-૯માં ૩૯  અને ધોરણ-૧૧માં ૧૨ એમ કુલ ૫૧ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જે પૈકી ૬૮ કુમાર અને ૪૪ કન્યાઓ છે.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવથી શિક્ષણનો વ્યાપ વધ્યો છે, ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છે. જેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે. તેઓએ ૨૦ વર્ષ પહેલાં ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. જેનાથી શાળાઓમાં સુવિધાઓ વધી રહી છે. જેનાથી આગામી સમયમાં ભારત દેશ વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવશે અને આત્મનિર્ભર બનશે. મંત્રી બલવંતસિંહે વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મતે વિકસિત ભારત ૨૦૪૭માં શિક્ષણનું વિશેષ યોગદાન રહેવાનું છે. આજે વિજ્ઞાન પ્રવાહ સાથે તાલમેલ મેળવવા રાજ્ય સરકાર અનેક યોજનાઓથી શાળાઓમાં ૧૦૦% નામાંકનની સિદ્ધિ પ્રાપ્ત કરશે જેનાથી ૧૦૦% પરિણામ મળશે.

વધુમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહે જણાવ્યું હતું કે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટેની અદભુત વ્યવસ્થા રાજ્યસરકાર કરી રહી છે. તે માટે નમો લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેના થકી ઉત્તમ શિક્ષણ મળશે.