બજેટમાં ૨૦૪૭ના વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટીઃ પ્રધાનમંત્રી મોદી
બજેટ ૨૦૨૪ રજૂ થયા બાદ વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યો. પોતાના સંબોધનમાં. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ બજેટમાં ૨૦૪૭ના વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી છે. હું નિર્મલા સીતારમણ અને તેમની પુરી ટીમને ખુબ ખુબ અભિનંદન આપુ છું.
વડાપ્રધાને કહ્યું અમે એક મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ. તેને પ્રાપ્ત કરીએ છીએ પછી તેનાથી મોટું લક્ષ્ય પોતાના માટે નક્કી કરીએ છીએ. ગામ અને શહેરોમાં ગરીબો માટે અમે ૪ કરોડથી વધારે ઘર બનાવ્યા અને હવે અમે વધુ ૨ કરોડ ઘર બનાવવાનો લક્ષ્ય રાખીએ છીએ.
વડાપ્રધાને કહ્યું કે અમે ૨ કરોડ લખપતિ દીદી બનાવવાનો લક્ષ્ય રાખ્યો હતો, હવે તેને વધારીને ૩ કરોડ કરી દીધા છે. વડાપ્રધાને કહ્યું કે આ બજેટ વિકસિત ભારતના ૪ સ્તંભ યુવા,ગરીબ, મહિલા અને ખેડૂત તમામ લોકોને સશક્ત કરશે.
નિર્મલા સીતારમણનું આ બજેટ દેશને ભવિષ્યના નિર્માણનું બજેટ છે. ત્યારે કોંગ્રેસના ઘણા સાંસદોએ વચગાળાના બજેટને નિરાશાજનક ગણાવતા કહ્યું કે તેમાં દેશની સામાન્ય જનતા માટે કંઈ નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું બજેટ ભાષણ ખુબ નાનુ અને નિરાશાજનક હતું. વધારે નિવેદનબાજી હતી. ઘણા મુદ્દાઓને લેવામાં આવ્યા નથી. બેરોજગારી જેવા મુદ્દાઓનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું આ સરકાર પોતાની નિષ્ફળતાને પણ સફળતા તરીકે રજૂ કરશે. સામાન્ય ભારતીય મતદાતાને પુછો કે સરકારની નીતિઓથી તેમના ખિસ્સામાં શું મળ્યું તો તેનો જવાબ મળી જશે કે દેશનો સામાન્ય માણસ શું વિચારે છે.
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ દાવો કર્યો કે ચાલુ નાણાકીય વર્ષમાં ૧૮ લાખ કરોડ રૂપિયાની બજેટ ખાધ છે. આવનારા વર્ષમાં તે વધશે. તેનો મતલબ છે કે સરકાર દેવુ કરીને પોતાના ખર્ચ કરી રહી છે. તેમને કહ્યું નાણાપ્રધાને પોતાના વખાણ કર્યા છે અને ૧૦ વર્ષ પહેલાની સરકારને નીચી બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગૃહમાં ચર્ચા દરમિયાન તેનો વિસ્તૃત જવાબ આપવામાં આવશે.