ભાજપના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટા વરાછામાં ૨૭મીએ સુરતમાં સભા

વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સુરત શહેરનો માહોલ કંઈક અલગ જ દિશામાં જાય તેમ લાગી રહ્યુ છે. જેને કારણે સુરત ભારતીય જનતા પાર્ટીની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પક્ષ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે સ્વાભાવિક રીતે જ એકમાત્ર નરેન્દ્ર મોદી જ સહારો હોય છે. પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭મી નવેમ્બરે સુરતના અબ્રામા વિસ્તારમાં જનસભાને સંબોધન કરવા માટે આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.પાટીદારોના ગઢમાં આવીને વડાપ્રધાન પટેલ મતદારોને રિઝવવાના પ્રયાસ કરે તે પ્રકારે આયોજન થઈ રહ્યું છે.

વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટીની સીધી ટક્કર થતી દેખાઈ રહી છે. પાટીદાર પ્રભાવવાળી બેઠકોને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર સભા સંબોધવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. કામરેજ, વરાછા, કરંજ, ઓલપાડ, કતારગામ બેઠકો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બાદ મતદારોને આકર્ષી શકાશે તેવી ગણતરી સાથે સભાનું આયોજન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેઓ કામરેજ ,ઓલપાડ, કતારગામ, વરાછા વિસ્તારની અંદર સભા કરતા હતા. પરંતુ વડાપ્રધાન બન્યા બાદ તેઓ આ વિસ્તારમાં મોટાભાગે ખાતમુહૂર્ત કે લોકાર્પણના કાર્યક્રમમાં જ હાજર રહ્યા છે. કોઈ રાજકીય જનસભાને સંબોધન કર્યું નથી. ૨૦૧૭માં જ્યારે પાટીદાર અનામત આંદોલનની અસર સુરતમાં ખૂબ મોટા પ્રમાણમાં હતી ત્યારે પણ તેમણે વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક પણ સભા અહીં કરી ન હતી. અમિત શાહ દ્વારા અબ્રામા ખાતે જાહેર સભાને સંબોધિત કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પરંતુ તે દરમિયાન પણ પાટીદારો દ્વારા જબરજસ્ત હોબાળો મચાવવામાં આવ્યો હતો.

જાહેર સભામાં ખુરશીઓ ઉછાળવામાં આવી હતી અને તેના કારણે અમિત શાહને માત્ર ચારથી પાંચ મિનિટમાં પોતાનું સંબોધન પૂર્ણ કરવું પડ્યું હતુ. ૨૭મી નવેમ્બરના દિવસે અબ્રામા રોડ ખાતે ઘણા વર્ષો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય સભાને સંબોધિત કરવા જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીની જે રીતે લોકપ્રિયતા પાટીદાર પ્રભાવવાળી બેઠકો ઉપર જોવા મળી રહી છે. તેને જોતા હવે ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા તેને કંટ્રોલમાં લાવી શકાય તેવી સ્થિતિ દેખાતી નથી. જેને કારણે આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ ડેમેજ કંટ્રોલની જવાબદારી પોતે સંભાળવી પડે તેવી સ્થિતી ઉભી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થિતિને પારખવામાં ખૂબ જ ચતુર છે. ખાસ કરીને રાજકીય પરિસ્થિતિમાં કઈ પાર્ટી તરફ પવન ફૂંકાઈ રહ્યો છે. કયા પ્રકારની સ્થિતી ઉભી થઈ રહી છે. તેની તેઓ ખૂબ જ સારી રીતે નસ પારખી જતા હોય છે. પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શહેરની બાર બેઠકો પૈકીની પાટીદાર પ્રભુત્વ વાળી જે પાંચથી છ બેઠકો છે. તેના ઉપર હવા કંઇક અલગ જ દેખાઈ રહી હોવાનો અનુભવ થયો હશે અને તેના કારણે તેઓ પોતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોય તેવી પણ ચર્ચા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં એક સરખી રહી છે. વિશેષ કરીને પાટીદાર અનામત આંદોલન સમયે જે પ્રકારનો વિરોધનો વંટોળ સુરતમાં ઉભો થયો હતો તેવી સ્થિતિમાં પણ સુરત શહેરને તમામ બાર બેઠકો ઉપર વિજય મળ્યો હતો. પરંતુ કોર્પોરેશનની ચૂંટણીમાં જે રીતે પાટીદારોનું ભાજપ વિરોધી મતદાન જોવા મળ્યું છે. તે જોતા સ્થિતિ આ વખતે થોડી બદલાતી દેખાઈ રહી છે. પાટીદારોના મતને કારણે આમ આદમી પાર્ટી સુરત મનપામાં વિરોધ પક્ષમાં મજબૂતાઈથી બેસી શકે છે. કોઈએ કલ્પના પણ કરી ન હતી કે, પાટીદારો આટલી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ચૂંટણીમાં જીતાડશે. ભાજપને ડરે પ્રકારનો છે કે, એ જ પ્રકારની મતદાનની માનસિકતા જો વિધાનસભામાં દેખાય તો ભાજપને પાંચ સીટો ઉપર પણ નુકસાન થઈ શકે છે. અને રાજકીય રીતે આ બાબતને હળવાથી લઈ શકાય તેમ નથી. સતત પાટીદાર પ્રભાવવાળી બેઠકો ઉપર ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા જેવા આમ આદમી પાર્ટીના ઉમેદવારો સભાઓ ગુંજવી રહ્યા છે તેના કારણે માહોલ જામી રહ્યો છે.

બીજી તરફ ભાજપ પણ પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે પરંતુ આમ આદમી પાર્ટી ચર્ચામાં આવી ગઈ છે. આવી સ્થિતિમાં હવે પાટીદારોને રીઝવવા અને મનાવવા માટે મોદીએ ફરીથી એક વખત કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. થોડા દિવસો પહેલા દિલ્હી ખાતે પાટીદાર અગ્રણી ઉદ્યોગપતિઓ એક બાદ એક મુલાકાત કરી આવ્યા છે. સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતના પાટીદારોને મનાવવા માટે નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી સભા સંબોધશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news