જુનાગઢ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં માનવ કલ્યાણ યોજના હેઠળ ૨૪૦૪ લાભાર્થીઓને સહાય ચૂકવાઈ: કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
વિધાનસભામાં જુનાગઢ જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલી અરજીઓ સંદર્ભે વિગતો આપતાં રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં એક વર્ષમાં કુલ ૨૪૦૪ અરજી મંજૂર કરવામાં આવી છે.
આ યોજનાની વિગતો આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે નાના પ્રકારના ધંધા રોજગાર કરતાં સમાજના નબળા વર્ગના વાર્ષિક રૂ. છ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબો તેમની આવકમાં વધારો કરી શકે, તે માટે નાના પ્રકારના વેપાર-ધંધા કરવા માટે અલગ અલગ ૧૦ ટ્રેડમાં ઇ-વાઉચર પદ્ધતિથી સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ ઇ-કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે. જેની ચકાસણી બાદ મંજૂર થયેલી અરજીઓમાંથી ડ્રો કરીને પસંદગી કરવામાં આવે છે અને તેમને ઈ-વાઉચરના માધ્યમથી સહાય આપવામાં આવે છે તેમ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉમેર્યું હતું.