વધુ એક ઔદ્યોગિક અકસ્માત, નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં 2 શ્રમિકોના મોત, 7 સારવાર હેઠળ
- નારોલની દેવી સિન્થેટિક કંપનીમાં બની ગેસ ગળતરની ઘટના
- સાત શ્રમિકોને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડાયા
- સારવાર હેઠળના શ્રમિકોમાંથી ત્રણની હાલત ગંભીર
અમદાવાદમાં વધુ એક ઔદ્યોગિક અકસ્માતની ઘટના બનવા પામી છે. શહેરની નારોલ જીઆઈડીસીમાં આવેલી દેવી સિન્થેટિક કંપનીમાં ગેસ ગળતર થતાં કામ કરી રહેલા શ્રમિકોને અસર થવા પામી હતા. આ ઘટનામાં 2 લોકોના ગેસ ગળતરની અસરથી મૃત્યુ થયા છે, અન્ય સાત શ્રમિકો સારવાર અર્થ એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ શ્રમિકોની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. દેવી સિન્થેટિક કંપનીમાં ગેસ ગળતરમાં બે શ્રમિકો કમલ યાદવ અને લવકુશ મિશ્રા નામના બે શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગેસ ગળતરની ઘટના આજે સવારે 11 વાગ્યાની આસપાસ બનવા પામી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના કાફલો ઘટના સ્થળે પોહંચ્યો હતો. આ ઉપરાંત જીપીસીબી, પોલીસ અને ફેક્ટરી ઇન્સપેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આજે સવારે 11 વાગ્યાની આસપાસ કંપનીમાં સલફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતુ હતુ ત્યારે બ્લિચીંગ ડિપાર્ટમેન્ટમાં કોસ્ટિક સોડા સાથે રિએક્શન થતાં ફ્યુમના કારણે ફેક્ટરીમાં જે કર્મચારીઓ કામ કરતા હતા તેઓને ગેસની અસર થવા પામી હતી.
17 ઓક્ટોબરે કંડલાની ઈમામી એગ્રો ટેક કંપનીમાં ઝેરી ગેસ લિકેજ થતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં સુપરવાઇઝર સહિત 4 લોકો ગૂંગળાઈને મૃત્યુ પામ્યા હતા. ત્યારે શ્રમિકોની સલામતીના ધોરણોના પાલન સામે ફરીથી પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.