રાજકોટ મનપા દ્વારા પાણીના બગાડ સામે દંડ કરાતા આપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે, લોકોના ઘરે થતા પાણીના બગાડ અંગે રૂ. ૨૦૦૦ સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ અંગે અમે મ્યુનિ. કમિશનરને રૂબરૂ મળી રજુઆત કરી હતી. આ જોગવાઇ દૂર કરવા માગ કરવામાં આવી હતી. જેને પગલે મ્યુનિ. કમિશનર દ્વારા રહેણાંક મકાનમાં પાણીનાં વપરાશ બદલ કોઈ દંડ ન વસુલવાની ખાતરી આપવામાં આવી છે.
માત્ર મનપાના પાણીનો બગાડ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે. રાજકોટ મનપા દ્વારા પાણી બગાડ અટકાવવા અને પાણી ચોરી અટકાવવા ખાસ ટીમો બનાવાઇ છે. પરંતુ રાજકોટ મનપા સંચાલિત બાગ-બગીચામાં જ પાણી વેડફાટ થઇ રહ્યો છે.
રાજકોટના રેસકોર્સ સ્થિત મહિલા ગાર્ડન બહાર ગાર્ડનમાંથી પાણીની નળી મારફત ટ્રેક્ટરચાલક ટ્રેક્ટર પાણી વડે ધોતા હોવાના દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. ત્યારે રાજકોટ મનપા શું તેમના જ સંચાલિત બગીચા અને ઓફિસોમાં તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.મનપા દ્વારા પાણી વપરાશનાં દંડની જાહેરાત કરવામાં આવી છે. જેનાં વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા મ્યુનિ. કમિશનરને રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં મનપા દ્વારા પાણીનાં બગાડનાં નામે કરવામાં આવતો દંડ બંધ કરવાની માગ કરવામાં આવી હતી. સાથે મ્યુનિ. કમિશનર દ્વારા ઘરમાં પાણી વપરાશ માટે કોઈ દંડ નહીં ફટકારવાની ખાતરી આપવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.