કચ્છના કેન્દ્રબિંદુમાં ૩.૨ની તીવ્રતાનો આફ્ટરશોક અનુભવાયો
ગુજરાત ના કચ્છની ધરતીના પેટાળમાં સતત સળવળાટ ચાલુ હોય તેમ ધરતીકંપના આંચકા અવિરત ચાલુ રહેવા પામ્યા છે અને હવે વાગડ અને અંજાર ફોલ્ટલાઈન સિવાય નવા સ્થળે કેન્દ્રબિંદુ ધરાવતા આફ્ટરશોક રિક્ટરસ્કેલ પર નોંધાઇ રહ્યા છે.
ભુજની ઉત્તર દિશાએ આવેલા દુર્ગમ ખાવડાથી ૪૮ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ ધરાવતો આફ્ટરશોક અનુભવાયો હતો. ૩.૨ની તીવ્રતાના આંચકાથી સ્થાનિક લોકો પણ ઘડીભર સચેત બની ગયા હતા. કચ્છ અને ભૂકંપને સદીઓનું જોડાણ છે અને સદીમાં એકથી બે મોટા ભૂકંપ આવતા રહ્યા છે. ખાસ કરીને ૨૦૦૧ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા આફ્ટરશોક અવિરત રહેવા પામ્યા છે.
જો કે આ પહેલા જાહેર થયેલા નિવેદન મુજબ જેટલા આંચકા આવશે તેટલી જમીન અંદર રહેલી ઉર્જા છૂટી પડતી જશે. માટે ઝોન ૫માં આવતા વિસ્તાર માટે આફ્ટરશોક ભયજનક નથી પરંતુ નવા નવા સ્થળે જો આંચકા આવતા રહે તો આ જરૂર સંશોધનનો વિષય ગણી શકાય ખરો.