અમેરિકન કંપની ફાઈઝરે બાળકો પર કોરોના રસીનું ટ્રાયલ શરૂ કર્યું
કોરોના વાયરસની વેક્સિન બનાવનારી અમેરિકી કંપની ફાઈઝરે ૧૨ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો પર પોતાની કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. પહેલા તબક્કામાં ગણતરીના બાળકોને જ વેક્સિનના અલગ-અલગ ડોઝ આપવામાં આવશે. આ માટે ફાઝરે વિશ્વના ૪ દેશોના ૪,૫૦૦ કરતા વધારે બાળકોની પસંદગી કરી છે. જે દેશોમાં બાળકો પર ફાઈઝરની વેક્સિનની ટ્રાયલ થવાની છે તેમાં અમેરિકા, ફિનલેન્ડ, પોલેન્ડ અને સ્પેનનો સમાવેશ થાય છે.
ફાઈઝરના કહેવા પ્રમાણે પરીક્ષણના પહેલા તબક્કામાં વેક્સિનના નાના ડોઝની પસંદગી કર્યા બાદ ૧૨ વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોના જૂથ પર કોવિડ-૧૯ વેક્સિનનું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ફાઈઝરની કોવિડ વેક્સિનને પહેલેથી જ અમેરિકા અને યુરોપિય સંઘમાં ૧૨ વર્ષ કરતા વધારે ઉંમરના બાળકોને આપવા મંજૂરી અપાઈ ચુકી છે. જોકે આ મંજૂરી ઈમરજન્સી ઉપયોગ માટે જ આપવામાં આવી છે. ફાઈઝરે કોરોનાની આ વેક્સિન પોતાના જર્મન પાર્ટનર બાયોએનટેક સાથે મળીને બનાવી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ કંપનીની વેક્સિનને જ સૌથી પહેલા પોતાની મંજૂરી આપી હતી.
કંપનીએ જણાવ્યું કે, વેક્સિનેશન ટ્રાયલ માટે આ સપ્તાહથી ૫થી ૧૧ વર્ષની ઉંમરના બાળકોની પસંદગી શરૂ કરી દેવામાં આવશે. આ બાળકોને ૧૦ માઈક્રોગ્રામના ૨ ડોઝ આપવામાં આવશે. આ ડોઝ કિશોરો અને વયસ્કોને આપવામાં આવતા વેક્સિન ડોઝના ત્રીજા ભાગનો છે. આના થોડા સપ્તાહો બાદ ૬ મહિના કરતા વધારે ઉંમરના બાળકો પર વેક્સિન ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને તેમને ૩ માઈક્રોગ્રામ વેક્સિન આપવામાં આવશે.