તાઉ-તે સામે સૌરાષ્ટ્રમાં એલર્ટઃ પીજીવીસીએલની ૫૮૫ ટીમ તૈનાત કરાઇ
સૌરાષ્ટ્રના તમામ બંદરો પર ૨ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું
તાઉ-તે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાવવાની દહેશતના પગલે દરિયાઇ વિસ્તારના ૨૪૨ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે રીતે ચક્રવાત ધીમે ધીમે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તંત્ર એક્શન મોડમાં આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી તકેદારીના ભાગરૂપે સમુદ્ર કિનારેથી નજીકના અને નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વીજપુરવઠો ખોરવાય નહીં તે માટે પીજીવીસીએલની ૫૮૫ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ ઊર્જામંત્રી સૌરભ પટેલ રાજકોટમાં આવી ચૂક્યા છે અને અહીંથી જ પીજીવીસીએલ કંટ્રોલરૂમનું મોનિટરિંગ કરશે.
સૌરાષ્ટ્રમાં ૩૯૧ કોવિડ હોસ્પિટલમાં બેકઅપ આપવામાં આવ્યો- સૌરભ પટેલ રાજકોટમાં ઊર્જામંત્રી સૌરભ પટેલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં એન્જિનિયરો સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. ૧૨ જિલ્લામાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. બાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરોની ટીમ, જેટકો અને પીજીવીસીએલની ટીમ તૈનાત કરવામાં આવી છે. ૨૯૧ પીજીવીસીએલની અને ૨૯૪ કોન્ટ્રાક્ટરોની ટીમના ૨ હજારથી વધુ કર્મચારીઓ સૌરાષ્ટ્રમાં તૈનાત કરાયા છે. વીજપોલ, કેબલ અને ટ્રાન્સફોર્મર જરૂરિયાત મુજબ તમામ સ્ટોર સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. કોવિડ હોસ્પિટલ અને ઓક્સિજન પ્લાન્ટમાં બેકઅપ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં ૩૯૧ કોવિડ હોસ્પિટલ છે. આ તમામમાં બેકઅપ આપી દેવામાં આવ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં વીજળીની કોઇ તકલીફ ન પડે તે માટે ખાસ ટીમ બનાવી જવાબદારી સોંપવામાં આવી છે. ૧ લાખ વીજપોલ, કંડક્ટર ૨૫ હજાર, ટ્રાન્સફોર્મર ૨૦ હજાર નંગ, એલટી કેબલ ૪૦૦ કિમી સૌરાષ્ટ્રના સ્ટોરમાં પહોંચાડવામાં આવ્યા છે. તમામ સર્કલ ઓફિસર સાથે સતત સંપર્કમાં રહી કામગીરી કરવામાં આવી છે. ડેન્જર પરિસ્થિતિ થશે તો જ વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. અન્યથા કોઇ જગ્યા પર વીજ પુરવઠો બંધ કરવામાં નહિ આવે. સૌરાષ્ટ્રમાં કોઇ કોવિડ હોસ્પિટલમાં મુશ્કેલી ન સર્જાય તેની કાળજી રાખવામાં આવશે.