અમદાવાદમાં ફરીથી વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધ્યુ, પીરાણામાં સૌથી વધુ પ્રદૂષિત હવા
ગયા વર્ષે કોરોના મહામારીના પગલે લાગૂ કરાયેલા લૉકડાઉનમાં અમદાવાદમાં વાયુ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ જનજીવન સામાન્ય બનતા ફરીથી વાયુ પ્રદૂષણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ઔદ્યોગિક એકમો ધરાવતા વિસ્તારોની આસપાસ વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળી રહ્યો છે.
હાલ કોરોના મહામારીની વધુ એખ લહેર વચ્ચે અમદાવાદ શહેરનો સાર્વત્રિક એર ક્વોલિટી ઇન્ડેક્ષમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં એક્યૂઆઇ જોખમી સ્તર પર પહોંચી જવા પામ્યો છે. પીરાણા વિસ્તારમાં હવા સૌથી વધુ પ્રદૂષિત છે. ખાસ કરીને અમદાવાદના પીરાણા વિસ્તારની હવા સૌથી પ્રદૂષિત જોવા મળી રહી છે. રાયખડમાં અને ચાંદખેડામાં પણ એક્યૂઆઈ ખૂબ જ ભયજનક સ્થિતિ પર પહોંચ્યો છે. જે દમ અને ફેફસાની બિમારી ધરાવતા દર્દીઓ માટે આ જોખમકારક સ્થિતિનું નિર્માણ થતુ જોવા મળી રહ્યું છે.
નારોલમાં આવેલા ઔદ્યોગિક એકમોમાંથી સતત નીકળી રહેલા ઝેરી ધૂમાડાથી નારોલ, પીરાણા સહિત આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. જેને લઇને સ્થાનિકોના સ્વાસ્થ્યની સામે અનેક જોખમ ઉભા થઇ રહ્યાં છે.