દેશમાં વાયુ પ્રદુષણ ધીમે ધીમે વિરાટ સ્વરૂપ લઈ રહ્યું છે
દિલ્હીમાં પવનની ગતિના કારણે હવાની ગુણવત્તા અને વિઝિબિલિટીમાં સુધારો થયો છે. જોકે, હવાના પ્રદૂષણની સમિક્ષા અંગે વધુ આદેશો આવે નહીં ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય સોમવારે શહેરમાં પ્રદૂષણનું ઊંચું સ્તર ઘટાડવા માટે લેવાયેલા પગલાંની સમિક્ષા કરશે.દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો હોવા છતાં અનેક વિસ્તારોમાં રવિવારે સવારે ૮.૦૦ વાગ્યે પ્રદૂષણનું સ્તર ગંભીર કેટેગરીમાં નોંધાયું હતું. દિલ્હીના નરેલામાં એક્યુઆઈનું સ્તર ૩૪૧, બવાનામાં ૪૦૪, મુંડકામાં ૩૮૭, આનંદ વિહારમાં ૩૯૫ નોંધાયું હતું. ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ વાયુ પ્રદુષણની સ્થિતિ અત્યંત ખરાબ છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના વસુંધરામાં એક્યુઆઈ ૪૫૮, લોની વિસ્તારમાં ૩૦૨ નોંધાયું હતું જ્યારે હરિયાણાના ફરિદાબાદમાં ૫૦૬, ગુરુગ્રામમાં ૨૯૦, ચરખી દાદરીમાં ૨૮૦ નોંધાયું હતું.
રવિવારે શહેરમાં પ્રતિ કલાક ૨૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા હવામાંથી પોલ્યુટન્ટ પાર્ટિકલ દૂર થયા હતા અને વિઝિબિલિટી સુધરી હતી. આગામી બે દિવસમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ કેટેગરીથી થોડીક સુધરવાની સંભાવના છે.દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં હવામાં પ્રદૂષણનું સ્તર અત્યંત વધી ગયું છે. દિવાળી પછી તેમાં જબરજસ્ત વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં દિવસે હવાનું સ્તર વધુ ને વધુ કથળી રહ્યું છે. દિલ્હી-એનસીઆરમાં હવાના પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટથી લઈને રાજકીય સ્તરે ભારે હોબાળો મચે છે. જોકે, એક તાજા અહેવાલ મુજબ દિલ્હી કરતાં અમદાવાદની હવા વધુ ઝેરી છે. અમદાવાદમાં રવિવારે સવારે ૮.૦૦ વાગ્યે એક્યુઆઈનું સ્તર ૮૦૦થી વધુ હતું, જે અત્યંત ગંભીર માનવામાં આવે છે.
એક અહેવાલ મુજબ રસ્તાઓ પર વધતી ગાડીઓની સંખ્યા અને તેમાંથી નીકળતો ઝેરી ધૂમાડો વાયુ પ્રદુષણમાં વધારાનું એક મહત્વનું પરિબળ છે. પ્રદૂષણનું અન્ય એક પરિબળ હવાની ગતિ પણ પણ છે. પવન ફૂંકાતો ન હોવાથી આપણા વાતાવરણમાં ખૂબ જ નીચા સ્તરે ઝેરી ધૂમાડાનું જાડું સ્તર બને છે અને તે ઉડી શકતું નથી. આથી હવાના પ્રદૂષણમાં વધારો થાય છે. દેશમાં પ્રદૂષણના સ્તર પર નજર રાખતી વેબસાઈટ એસીક્યુઆઈએનના અહેવાલ મુજબ અમદાવાદમાં સવારે ૮.૦૦ વાગ્યે પ્રદૂષણનું સ્તર ૮૩૪ નોંધાયું હતું. જોકે, દિવસના પછીના ભાગમાં તેમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં પ્રદૂષણનો વિવાદ વકર્યો છે. રાજધાની અને આજુબાજુના વિસ્તારોમાં વધતા પ્રદૂષણના કારણે દિલ્હી અને હરિયાણામાં સરકારે સ્કૂલ-કૉલેજો બંધ રાખવાની ફરજ પડી છે તેમજ દિલ્હીમાં બાંધકામ સહિતની અનેક ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અટકાવી દેવી પડી છે. પ્રદૂષણના વધતા સ્તરને કારણે સુપ્રીમ કોર્ટ પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ પર ખફા થઈ છે.