તાઉતે વાવાઝોડામાં ધ્વસ્ત થયેલ વૃક્ષો બાદ ૨૦૦૦ નવા વૃક્ષો ઉભા કરાયા
રાજયમાં તાઉ તે વાવઝોડાના કારણે અમદાવાદ શહેરમાં ભારે પવન અને વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા. સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ અને વેસ્ટ)ના રોડ પર અનેક ઝાડ આવેલા છે. સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં તાઉ તે વાવઝોડા દરમિયાન નુકસાન પામેલા આશરે ૨૦૦૦ જેટલા ઝાડને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ફરી ઉભા કરવામાં આવ્યા છે. જે જગ્યાએથી ઝાડને નુકસાન થયું હતું. ત્યાંથી ભાગને દૂર કરી નવેસરથી ઝાડ લગાવવામાં આવ્યા છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ લિમિટેડના જનરલ મેનેજર ડો. આશિફ મેમણે જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં આવેલા મોટા ભાગના વૃક્ષો તાઉ-તે વાવાઝોડાના કારણે નમી ગયેલ હતા. રસ્તા પર તેમજ બાયો ડાયવર્સિટી ખાતે આવેલા વૃક્ષો નમી ગયેલા હતા. જેમાંથી રોડ સાઈડ પર ૪૨૫ વૃક્ષો પડી ગયા હતા.
મેમણે ઉમેર્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા ૩૮૦ વૃક્ષોને પુનઃ સ્થાપિત કરવામાં આવેલા છે. તેમજ બાયો ડાયવર્સિટી ખાતે ૧૮૦૦ જેટલા વૃક્ષો નમી ગયેલા હતા તેમાંથી ૧૫૮૦ જેટલા વૃક્ષોને પુનઃ સ્થાપિત કરવામાં આવેલા છે. રિવરફ્રન્ટ વિસ્તારમાં આવેલા બાકીના વિસ્તારમાં પણ નમી ગયેલ વૃક્ષો માટેની કામગીરી ચાલુ છે