‘સ્ટેટ ઓફ ગ્લોબલ ક્લાઇમેટ-૨૦૨૦’ રિપોર્ટ અનુસાર ૧૮૫૦ પછી ૨૦૨૦ અત્યાર સુધીનું ત્રીજુ સૌથી ગરમ વર્ષ
સંયુક્ત રાષ્ટ્રસંઘની હવામાન સંસ્થા વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશને આજે ગ્લોબલ વૉર્મિંગ અંગેનો ‘સ્ટેટ ઓફ ગ્લોબલ ક્લાઇમેટ-૨૦૨૦’ રિપોર્ટ રજૂ કર્યો હતો. એ રિપોર્ટ પ્રમાણે ૨૦૨૦નું વર્ષ ૧૮૫૦ પછીનું આજ સુધીનું ત્રીજું સૌથી ગરમ વર્ષ નોંધાયું છે. આ વર્ષે સેરરાશ કરતાં ૧.૨ ડીગ્રી વધારે તાપમાન જાેવા મળ્યું છે. આંકડાની દૃષ્ટિએ નાનો લાગતો આ ફેરફાર ધરતીના હવામાનમાં બહુ મોટો ફેરફાર કરી શકે છે. સતત વધી રહેલા વાવાઝોડા, વરસાદ, જંગલની આગ, હીટવેવ, બરફ પીગળવો વગેરે પાછળ આ તાપમાન વૃદ્ધિ જ કારણભૂત છે.
૨૦૧૫માં પેરિસમાં પર્યાવરણ સંધિની જાહેરાત થઈ હતી. તેના પાંચ વર્ષ નિમિતે મળેલી બેઠકમાં આ રિપોર્ટ રજૂ થયો હતો. રિપોર્ટ પ્રમાણે જમીન ઉપરાંત સમુદ્ર સપાટી પર પણ હીટવેવનું પરિણામ વધી રહ્યું છે, તેનાથી સમગ્ર હવામાન ચક્ર ખોરવાઈ રહ્યું છે. સપ્ટેમ્બર ૨૦૧૯થી ઓગસ્ટ ૨૦૨૦ સુધીના એક વર્ષમાં ધુ્રવ પ્રદેશોનો ૧૫૨ અબજ ટન બરફ પીગળી ગયો હતો. બીજી તરફ એટલાન્ટિક મહાસાગરમાંથી આ વર્ષે અત્યાર સુધીમાં ૩૦ વાવાઝોડાં ઉદ્ભવ્યા છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો છે. દક્ષિણ અમેરિકા ખંડના દેશો બ્રાઝિલ, આજેર્ન્ટિના, ઉરૂગ્વે, પેરાગ્વે વગેરે ભીષણ દુકાળનો ભોગ બન્યા છે.
આ દેશોના કૃષિ ક્ષેત્રને અંદાજે ૩ અબજ ડૉલરનું નુકસાન થયું છે. ૧૮૫૦થી ૧૯૦૦ સુધીના સરેરાશ તાપમાનની સરખામણીમાં ધરતીનું તાપમાન આ વખતે ૧.૨ ડીગ્રી વધારે જાેવા મળ્યું છે. આ પહેલા ૨૦૧૬ સૌથી ગરમ વર્ષ નોંધાયુ હતું. હવામાનના ફેરફારોને કારણે ભારતને આ વર્ષે ૧૯૯૪ પછી સૌથી વધુ વરસાદ મળ્યો હતો. ચોમાસાની સિઝન પછી પણ દેશના અનેક ભાગોમાં વરસાદ પડતો નોંધાયો હતો.