દુર્ઘટના: વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઇલર ફાટવાની ઘટના, 4ના મોત, 14 ઈજાગ્રસ્ત
મધ્ય ગુજરાતમાં દસ દિવસના ગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આજે વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના બની હતી. બોઈલર ફાટતા કંપનીમાં કામ કરતા 14 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમજ ચાર કામદારના મોત થયાનુ સામે આવ્યુ છે. દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા. એટલુ જ નહિ, આ બ્લાસ્ટમાં બાળકો પણ ઈજાગ્રસ્ત થયા છે.
વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં આજે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ બોઈલર ફાટવાની ઘટના બની છે. બોઈલર ફાટતાં કંપનીમાં કામ કરતા અનેક કર્મચારીઓ દાઝ્યા છે. તમામ કર્મચારીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. આ ઘટનામાં ચાર કર્મચારીના મોત નિપજ્યાની માહિતી સામે આવી છે. તો 14 જેટલા કર્મચારીઓ દાઝ્યા હોવાની માહિતી મળી રહી છે.