ઉ.પ્રદેશના સીતાપુરમાં વરસાદને પગલે દિવાલ ધરાશાયીઃ ૭ના મોત
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને પગલે બુધવારે અલગ અલગ ગામોમાં દીવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકો સહિત કુલ ૭ લોકોના મોત નીપજ્યા છે. સીતાપુરમાં વરસાદના કારણે અલગ અલગ વિસ્તારમાં દીવાલ પડતાં કુલ સાત લોકોના મોત થયા હોવાની ખબર સામે આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધા છે.
બુધવારે સવારે માનપુરમાં દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. જેને પગલે આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.
સીતાપુરના ડીએમ ભારદ્વાજે આ જાણકારી આપતા કહ્યું કે સમગ્ર જિલ્લામાં અલગ અલગ ત્રણ જગ્યાએ દીવાલ અને મકાન ધરાશયી થવાની ઘટના બની હતી. જેમાં કુલ સાત વ્યક્તિઓના મોત થયા છે. જેમાં કુલ ૨ વ્યક્તિ ઘાયલ થયા છે. ઘાયલોમાં ૧ વ્યક્તિની સારવાર ચાલી રહી છે અને એક વ્યક્તિને સારવાર કરી ડિસ્ચાર્જ કરી દેવાાયા છે.
માનપુર વિસ્તારમાં દીવાલ પડી જતાં ચાર લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટનામાં એક ૫૦ વર્ષીય મહિલા અને બીજા ત્રણ બાળકોના કરૂણ મોત નિપજ્યાં. બાળકોમાં શૈલેન્દ્રની ઉંમર ૧૦ વર્ષ, શિવની ઉંમર ૮ વર્ષ અને સુમનની ઉંમર માત્ર ૨ વર્ષની જ હતી. આ ત્રણેય બાળકોના મોત થયા છે.