સીડીએસ બીપીન રાવતને ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અપાઈ અનોખી શ્રદ્ધાંજલિ
તાજેતરમાં હેલિકોપ્ટર ક્રેશનો ભોગ બનેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તેમજ આર્મીના પૂર્વ વડા બીપીન રાવત સહિત તેર લોકોને ગ્રીનમેન તરીકે ઓળખાતા સામાજિક કાર્યકર વિરલ દેસાઈ દ્બારા અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ અંતર્ગત તેમણે ઉધના રેલવે સ્ટેશન પાસે ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ દ્વારા તૈયાર થયેલા અર્બન ફોરેસ્ટ શહીદ સ્મૃતિવન ખાતે તેર વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમાં ઉધના સ્ટેશન પાસે આવેલી આરપીએફ બેરેકના જવાનો પણ સામેલ થયા હતા અને તેમણે તેમના પ્રોટોકોલ મુજબ પરેડ કરીને સીડીએસ બીપીન રાવતને સલામી આપી હતી. સીડીએસ સ્વ. રાવતને શ્રદ્ધાંજલિ આપતા વિરલ દેસાઈએ કહ્યું હતું, ‘આ દુર્ધનાથી દેશને જે ક્ષતિ થઈ છે એની ગણતરી કરી શકાય એમ નથી. પરંતુ દેશના જવાબદાર નાગરિક તરીકે આપણી જવાબદારી બને છે કે આપણા સૈન્યના મહાન સપૂતોને આપણી આવનારી પેઢી જીવનભર યાદ રાખે. એ માટે અમે ‘શહીદ સ્મૃતિ વન’ ખાતે જનરલ બીપીન રાવત સહિત અકસ્માતમાં ભોગ બનેલા જવાનોના નામે કાળજીપૂર્વક ઉછેરેલા પાંચ-છ વર્ષ મોટા વૃક્ષોને વિશેષરૂપે પસંદ કરીને તેનું વાવેતર કર્યું છે, જેથી એ મહાન સૈનિકો આજીવન લોકોને યાદ રહે અને મૃત્યુપર્યંત પણ લોકોને સ્વસ્થ હવા અપતા રહીને દેશસેવાનું નિમિત્ત બને.’
ઉલ્લેખનીય છે કે ગ્રીન ઉધના રેલવે સ્ટેશન એ ભારત, એશિયા અને દુનિયાનું પ્રથમ ગ્રીન સ્ટેશન છે, જ્યાં આરપીએફ બેરેક પાસે ‘શહીદ સ્મૃતિ વન’ નામે જાપનીઝ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયેલું પંદરસો વૃક્ષો ધરાવતું ભારતીય રેલવેનું પ્રથમ અર્બન ફોરેસ્ટ આવેલું છે.