આણંદમાં સાડા પાંચ કરોડના ખર્ચે આધુનિક પશુચિકિત્સાલયનું નિર્માણ કરાશે, પશુપાલકોને થશે ફાયદો

આણંદ ખાતે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ મંજૂર થયેલ રૂપિયા ૫.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક પશુચિકિત્સાલયનું ભૂમિપૂજન રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઈ માલમ અને આણંદના સાંસદ મિતેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજયના પશુપાલકોનું જીવન ધોરણ સુધરે, પશુઓને થતાં રોગનું તાત્કાલિક નિદાન – સારવાર થાય અને પશુઓની ઓલાદમાં સુધારો થાય એટલું જ નહી પરંતુ પશુઓના દૂધમાં વૃધ્ધિ થાય તથા પશુપાલકોને આર્થિક રીતે સમૃધ્ધિની સાથે ગુજરાત ડેરી ફિશરીઝ અને પશુપાલન ક્ષેત્રે અગ્રેસર બને તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે ૨૦૦૯ ના વર્ષમાં દેશમાં સૌ પ્રથમ કામધેનું યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ડેરી સાયન્સ, ફિશરીઝ અને વેટરનરી જેવા વિવિધ ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવા કામધેનુ યુનિવર્સિટીની ભૂમિકા અગત્યની રહી છે.

આજે ગુજરાતના પશુપાલકો આર્થિક રીતે સમૃધ્ધ બની ગુજરાતની પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન થકી ગુજરાતમાં મરીન યુનિવર્સિટી, ફોરેન્સિક યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી અને ચાઈલ્ડ યુનિવર્સિટી જેવા અનેકવિધ પ્રકલ્પો ગુજરાતને મળ્યા છે. ગુજરાતમાં પશુપાલન વ્યવસાય સાથે બહોળા પ્રમાણમાં લોકો જોડાયેલા છે, અને પશુઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે તેવા સમયે પશુઓ બીમાર પડે ત્યારે તેમને ઘર આંગણે જ સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા પશુ આરોગ્ય મેળા યોજવામાં આવી રહ્યા છે. તેમણે આ તકે ઉપસ્થિત વેટરનરીમાં અભ્યાસ કરતા ભાવી ડોક્ટરોને પશુઓના તબેલા ઊભા કરીને જોબ સીકર નહીં પણ જોબ ગિવર બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તાજેતરમાં પશુઓમાં આવેલ લંપી રોગના સમયમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ટીમ અને તેમના સદસ્યોનું પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડિપ્લોમા ઉત્તીર્ણ થનાર અને સુવર્ણચંદ્રક જીતનાર વિદ્યાર્થીઓને સુવર્ણ પદક અને પ્રમાણપત્ર આપીને તેમજ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ નેનો ટેકનોલોજી આધારિત સંશોધનની માહિતી મેળવી હતી. આણંદ જિલ્લો એ શિક્ષણનું કેન્દ્ર છે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૯ માં કામધેનું યુનિવર્સિટીની સ્થાપના કરી હતી જેના કારણે આજે પશુઓના ડોક્ટરની સંખ્યામાં વધારો થયો છે. તેઓની દીઘદ્રર્ષ્ટિને કારણે ગામડે ગામડે પશુપાલકોને તેમના ઘર આંગણે સેવા મળી રહી છે, તેમ જણાવી લંપી રોગમાં રસીકરણની શ્રેષ્ઠ કામગીરી કરનાર પશુ ચિકિત્સકોને અભિનંદન પાઠવ્યા હતા. કામધેનુ યુનિવર્સિટીના બીજા પ્રમાણપત્ર એનાયત સમારોહમાં આ ત્રણ વર્ષના કોર્ષમાં ૪૫૮ વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવનાર છે. તેમણે જણાવ્યું હતું કે, નવનિર્માણ પામનાર પશુ ચિકિત્સાલયના કારણે પશુઓને આધુનિક સારવાર મળી રહેશે. તેમણે રૂપિયા ૫.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પશુ ચિકિત્સાલય એ આણંદ જિલ્લાના પશુઓ – પશુપાલકો માટે આશિર્વાદરૂપ બની રહેશે તેમ પણ જણાવ્યું હતું. પ્રારંભમાં આણંદ વેટનરી કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.એન.બ્રહ્મભટ્ટે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. અંતમાં કામધેનુ યુનિવર્સિટીના કુલ સચિવ ડો. એમ.એમ.ત્રિવેદીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.બી.કથીરિયા, યુનિવર્સિટીના ડિન ડો. પી.એચ.ટાંક, ડો. સી.કે.ટીંબડીયા, ડો. ડી.બી.પાઠક, ડો. એમ.કે.ઝાલા, કામધેનુ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ, ડિપ્લોમાધારકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news