વડોદરાના અલકાપુરીમાં બિલ્ડિંગમાં મીટરમાં લાગેલી આગ પાંચમા માળ સુધી પહોંચી
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ ફાટી નીકળી હતી. મીટરમાં લાગેલી આગ જોતજોતામાં બિલ્ડિંગના પાંચમા માળ સુધી પ્રસરી ગઈ હતી. જેને પગલે બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પહોંચીને ભારે જમહેત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી વિશ્વાસ કોલોનીમાં ટોટલ હેલ્થ સ્ટુડિયો આવેલો છે. આ સ્ટુડિયોમાં લાગેલા મીટરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ બિલ્ડિંગના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો દોડીને બિલ્ડિંગની બહાર આવી ગયા હતા. મીટરમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. આગના બનાવને પગલે આસપાસના રહીશોના ટોળા ઊમટી પડ્યાં હતાં.
સ્થાનિકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. શરૂઆતમાં આગ મીટરમાં લાગી હતી, પરંતુ ધીમે ધીમે આગ બિલ્ડિંગના પાંચમા માળ સુધી ફેલાઈ ગઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ફાયર બ્રિગેડની ટીમે ફાયર સેફ્ટીની સુવિધા અંગે પણ તપાસ શરૂ કરી છે. અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા, ત્યારે મીટરોમાં આગ લાગેલી હતી અને આગ ઉપર સુધી ફેલાઈ ગઈ હતી. અમે આવીને પાણીનો મારો ચલાવ્યો હતો. અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે. નીચે કોર્મશિયલ છે અને ઉપર રેસિડેન્સિયલ બિલ્ડિંગ છે. ઉપર જે લોકો હતા, તે બધા નીચે આવી ગયા હતા. અમે ફાયર સેફ્ટીની સુવિધા અંગે તપાસ કરી રહ્યા છીએ.