સાબરકાંઠામાં જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ,લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ,નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર અને જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં પ્રભારીમંત્રી બળવંતસિંહ રાજપૂતે ઓપરેશન સિંદૂર માટે અભિનંદન પાઠવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા આયોજન કાર્યક્રમની ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ, ૫ ટકા પ્રોત્સાહક જોગવાઈ તથા નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ વર્ષ ૨૦૨૫-૨૬નું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું. અને ખાસ પ્લાન (બક્ષીપંચ)નું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૨૫-૨૬ માં સાબરકાંઠાના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇ પૈકી 15% વિવેકાધીન જોગવાઇ હેઠળ 645 કામો માટે રૂ.1015 લાખ, ૫ ટકા પ્રોત્સાહક જોગવાઈ અંતર્ગત 20 કામો માટે રૂ.32.50 લાખ, ખાસ પ્લાન (બક્ષીપંચ) યોજના અંતર્ગત 10 કામો માટે 23.50 લાખ,જિલ્લાની નગરપાલિકાઓના 18 કામો માટે 150 લાખની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત સસંદસભ્ય અને ધારાસભ્ય ગ્રાન્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જિલ્લાના મંજૂર થયેલા પ્રજાલક્ષી વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવા અને કામોના પ્રગતિ અહેવાલ સમયાંતરે જિલ્લા કલેક્ટરને મોકલી આપવાનો રહેશે. તેમજ તેની જાણ પ્રભારી મંત્રીને કરવાની રહેશે. જિલ્લાના અધિકારીશ્રીઓએ વિકાસના કામો કયા સ્ટેજે છે અને કેટલી પ્રગતિ થઈ તેનો રિપોર્ટ પ્રભારી મંત્રીને સમયમર્યાદામાં મોકલી આપવા જણાવ્યું હતું. વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા,સાંસદ રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય વી ડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા તાલુકા પંચાયતના પ્રમુખો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અધિક કલેક્ટર રોહિત ડોડીયા, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, જિલ્લા આયોજન અધિકારી સહિત જિલ્લાના સંબંધીત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.