ભરૂચના લખી ગામે રોહા ડાઈકેમ કંપનીમાં ભીષણ આગ લાગી
લખીગામ ખાતે સેઝ-૨માં આવેલી રોહા ડાઇકેમ કંપનીમાં કોઇકારણસર આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ વધુ પ્રસરતાં કંપનીમાં કામ કરી રહેલાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે આસપાસની કંપનીઓના લાશ્કરોએ તુરંત સ્થળ પર દોડી આવી આગને કાબુમાં લેવા માટેનો પ્રયાસ કર્યો હતો.
દહેજ પાસે આવેલાં લખીગામ ખાતે સેઝ-૨માં આવેલી ડાઇકેમ કંપનીમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગ વધુને વધુ પ્રસરતાં કંપનીના એકભાગને આગે ચપેટમાં લઇ લીધી હતી.
આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતાં કામદારોમાં નાસભાગ મચી ગઇ હતી. આસપાસની કંપનીઓને થતાં ડીસીએમ, સેઝ ૧-૨, આરતી ઇન્ડસ્ટ્રીઝ, સ્ટર્લિંગ ઓક્ઝિલરીઝ કંપનીના લાશ્કરો તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે પાણી-ફર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ લખાય છે ત્યાં સુધી આગ કાબુમાં આવી ન હતી. ઘટના સ્થળે પહોંચેલાં દહેજ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. એલ. ખટાણા તેમજ તેમની ટીમે પણ આપાતકાલિન કામગીરીમાં જોતરાયાં હતાં. આગ હજી ચાલુ હોવાને કારણે તેમાં કોઇ જાનહાની થઇ છે કે કેમ, તેમજ કયાં કારણોસર આગ લાગી છે તે સહિતનો કોઇ વિગતો બહાર આવી ન હતી. જોકે, પીએસઆઇ ખટાણાએ જણાવ્યું હતું કે, પ્લાન્ટ હજી અન્ડર કન્સ્ટ્રક્શન હતો તેમજ ત્યાં કોઇ પ્રોડક્શન થતું ન હતું.