કચ્છમાં ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
ભૂંકપ ઝોન ૫માં આવતા કચ્છ જિલ્લામાં આફ્ટરશોકનો સિલસિલો અવિરત રહેવા પામ્યો છે. ભૂંકપ ક્ષેત્રમાં અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતા સરહદી જિલ્લામાં નવા કેન્દ્રબિંદુ ધરાવતા સ્થળે ધરા ધ્રુજી ઉઠી હતી. માંડવી તાલુકાના ગઢશીસા ગામથી ૧૪ કિલોમીટર દૂર મંગળવારે બપોરે ૧૨.૫ મિનિટે ૩ની તીવ્રતા ધરાવતો આફ્ટરશોક રિકટર સ્કેલ પર નોંધાયો હતો. નવા સ્થળે આવેલા આંચકાના પગલે સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હોવાનું ગ્રામજનોએ કહ્યું હતું.
કચ્છમાં લગાતાર આવતા ધરતીકંપના આંચકાઓ પેટાળમાં ઉર્જાનો સંચાર સતત થઈ રહ્યાના સંકેતો આપતા રહે છે. જોકે આ આફ્ટરશોકનો અનુભવ જૂજ લોકોને જ થઈ રહ્યો છે. તેમ છતાં આજે નવા સ્થળે આવેલા આંચકાથી લોકોમાં જરૂર ભયનો સંચાર પણ થયો છે.