અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમમાં લાગી ભીષણ આગ, 7થી વધુ ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે
ભરૂચઃ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમ નામની કંપનીમાં ભીષણ શુક્રવારે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના પગલે આસપાસમાં દોડધામ મચી જવા પામી હતી. ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે હાલ 7થી વધુ ફાયર ફાઇટર્સનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ભિષણ આગ લાગતા કંપનીમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. આગના કારણે આકાશમાં ઘૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ કેવી રીતે લાગી તે વિશેની માહિતી હાલ પ્રાપ્ત થઇ નથી.
મહાકાળી ફાર્મા કેમમાં લાગેલી આગ ભીષણ બનતા તેની આસપાસમાં આવેલી કંપનીઓના સત્તાધીશોમાં પણ ભય જોવા મળ્યો હતો. ભીષણ આગ પર કાબૂ મેળવા માટે ફાયર ફાયટર્સની 7 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાલ હાથ ધરવામાં આવી રહ્યાં છે. જોકે આગની આ ઘટનામાં જાનહાનિ થવાના કોઇ સમાચાર સામે આવ્યા નથી.