નડિયાદમાં ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી
નડિયાદમાં મરીડા રોડ પર ભૈરવનાથના મંદિરની બાજુમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી હોવાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને થઈ હતી. આથી ફાયરબ્રિગેડની ટીમ તુરંત બનાવ સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવા તજવીજ હાથ ધરી હતી.
ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આશરે ત્રણ જેટલા વોટર બ્રાઉઝરો દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ ગોડાઉન પુરેપુરો પતરાના સેડ પર બનેલો હોવાથી આગને કાબુમાં લેવા ફાયર કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવી હતી.
આગ વધુ પ્રસરે નહી તે માટે પણ ફાયર કર્મીઓએ ચીવટ રાખી આગને કાબુમાં લીધી હતી. જોકે મહામુસીબતે આગને કાબુમાં લેવાઈ હતી. આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.