વડોદરામાં ગેરકાયદે ચાલતા ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં આગ લાગી
વડોદરાના યાકુતપુરા ખાતે આવેલી અજબડી મીલ પાસે ગેસ સિલિન્ડરનું ગોડાઉન હતું. આ ગોડાઉનમાં સમી સાંજે આગ લાગવાની ઘટના બની હતી. ગોડાઉનમાં ૩૫ જેટલા સિલિન્ડર પૈકી ત્રણ ગેસના સિલિન્ડર ફાટતાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગેની જાણ ફાયરબ્રિગેડને થતા જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. અજબડી મીલમાં શરૂ કરવામાં આવેલું ગોડાઉન કામચલાઉ ધોરણે ગેરકાયદેસર બનાવવામાં આવ્યું હતું. અને આ ગોડાઉન નારાયણ નામના વ્યક્તિએ ગેરકાયદે ગેસ સિલીન્ડરનો ધંધો કરવા માટે ભાડાથી આપ્યું હતું.
ફાયર બ્રિગેડે વધુમાં જણાવ્યું હતું કે, આગની સ્થિતી પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. એક પછી એક કરીને ગોડાઉનમાંથી સિલિન્ડર બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગ ગોડાઉનને તાત્કાલિક સીલ મારશે અને અહીંનું વિજ કનેક્શન કાપી નાંખવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી.
ફાયરના લાશ્કરો દ્વારા આગામી સમયમાં આગ લાગવાના કારણો અંગેની તપાસ હાથ ધરવામાં આવશે. આ બનાવે વિસ્તારમાં ગભરાટ ફેલાવી દીધો હતો. આગ ઓલવ્યા બાદ શેડમાંથી તેમજ કમ્પાઉન્ડમાં ઉભેલા ટેમ્પામાંથી કુલ ૩૫ સિલિન્ડર મળી આવ્યાં હતા. જેમાંથી ૩ જેટલા સિલિન્ડર ફાટ્યાં હોવાનું જણાયું હતું. પોલીસે શિવ કૃપા ઇન્ડેન એજન્સી લખેલો ટેમ્પો કોને છે ? તેમજ ગેસ બોટલો કઇ ગેસ એજન્સીના છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. અજમડી મિલમાં ગુડ્ડુ નામનો વ્યક્તિ સ્ક્રેપનો ધંધો કરે છે. આ સ્ક્રેપમાં ચોરેલી કારના સ્પેર પાર્ટ અલગ કરી તેને વેચી દેવાય છે. ગુડ્ડુ પોલીસને આ કામ માટે હપ્તા પણ આપતો હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત અજમડી મીલમાં રોજ ૪ થી ૫ ટેમ્પા આવે છે.જયાં ગેરકાયદે રિફિલીંગ કર્યા બાદ સિલિન્ડર હોટલ અને લારીવાળાને મોંઘા ભાવે વેચી દેવાય છે. અજબડી મિલ પાસે ડિસેમ્બર મહિનામાં એક યુવકે સિગારેટ સળગાવતા બ્લાસ્ટ થયો હતો. તેમાં યુવક દાઝી ગયો હતો. આ ઘટના બાદ અજબડી મિલમાં સ્ક્રેપ અને ગેરકાયદે ગેસ રિફિલીંગનું કામ કરનારા તત્વોએ યુવકનો તમામ સારવાર કરવાની જવાબદારી લીધી હતી.
જોકે ત્યાર બાદ આ લોકો ફરી જતા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં યુવકના ભાઈએ અરજી પણ આપી હતી. બુધવારે બનેલી ઘટના બાદ શેડ પાસે રહેતા રહીશે જણાવ્યું હતું કે, શેડના માલિકનું નામ નારાયણ છે, તેને અમે અગાઉ ઘણી વખત ગેસ રિફિલિંગ ન કરવાનું જણાવ્યું હતું. જો કે, તેમ છતાં આ પ્રવૃત્તિ કરતો હતો અને તેને સ્થાનિક લોકોનું સમર્થન છે. ગેરકાયદે પ્રવૃત્તિના કારણે ગેસ બોટલ ફાટતા દાઝી ગયેલા લોકો સ્થળ પરથી દોડીને જતાં રહ્યાં હોવાનું જણાવ્યું હતું.