સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતા ફફડાટનો માહોલ
સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી કોહિનૂર માર્કેટના બીજા માળે આગ લાગી હતી. માર્કેટના બીજા માળેથી ધુમાડા નીકળતાની સાથે જ આસપાસના વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં સવારથી જ ચહલ પહલ શરૂ થઈ જતી હોય છે. દસ વાગ્યાની આસપાસ માર્કેટ શરૂ થતી હોય છે.
આગ લાગતા ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સવારના સમયે આગ લાગી હોવાથી માર્કેટમાં વધુ લોકોની હાજરી ન હતી. પરંતુ ટેક્સટાઈલ માર્કેટમાં જ્યારે પણ આગ લાગે છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ગંભીરતાથી લેવામાં આવે છે. માર્કેટમાં મહદઅંશે સાડીઓની દુકાનોમાં મોટા પ્રમાણમાં સાડીનો જથ્થો હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી જતી હોય છે. સાડી બનાવા માટે પણ પેટ્રોલિયમ પેદાશનો ઉપયોગ થતો હોય છે. જેથી આગ ઝડપથી ફેલાઈ જાય છે.
આગ વધુ ફેલાય તે પહેલા જ ફાયર સ્ટેશનની ૬ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. સવારનો સમય હોવાથી વેપારીઓ અને ગ્રાહકોની અવરજવર ખૂબ જ ઓછી હતી. સમગ્ર ઘટનામાં કોઇને ઇજા કે, જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગે આગ ઉપર કાબૂ મેળવવાનો શરૂ કર્યો છે. જોકે આગ વધુ ભીષણ ન હોવાને કારણે આગ ઉપર ઝડપથી કાબૂ મેળવાઈ જાય એ પ્રકારની કામગીરી શરૂ થઇ છે. ફ્લેશ ફાયર દેખાતી ન હોવાથી માત્ર ધુમાડો જ બહાર આવી રહ્યો છે. આગ કયા કારણસર લાગી છે તે જાણવા મળ્યું નથી.