રાજકોટમાં જકાતનાકા પાસે દુકાનમાં લાગી આગ, ફાયરની ૩ ટીમે બૂઝાવી
રાજકોટમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. શહેરના મોરબી રોડ પર જકાતનાકા પાસે કિશાન ટ્રેડર્સ નામની દુકાનમાં વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. સવારે દુકાનના માલિકે શટર ખોલતા જ આગ લાગ્યાનું જોવા મળતા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ૩ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, દુકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન થયાનું દુકાનના માલિક પાસેથી જાણવા મળ્યું છે.
કિશાન ટ્રેડર્સમાં આગ શોર્ટ સર્કિટથી લાગ્યાનું અનુમાન છે. જો કે, આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. આથી ફાયર અને દુકાનના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગતા જ આસપાસની દુકાનોમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા. તેમજ રસ્તા પર પસાર થતા લોકો પણ એકઠા થઈ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે જ્વાળાઓ દુકાનની બહાર આવતી નજરે પડી હતી. આથી થોડીવાર તો આસપાસના દુકાનદારોમાં નાસભાગ મચી ગઈ હતી. રાજકોટમાં દેવ દિવાળીના દિવસે પણ ફાયર બ્રિગેડની ટીમો દોડતી રહી હતી. જુદી જુદી જગ્યાએ આગ લાગ્યાના બનાવમાં ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ, શિતલ પાર્ક નજીક આવેલા ટ્રાફિક શાખાના ટોઈંગ સ્ટેશનમાં ડીસીપી ઝોનના મુદામાલના ડેલામાં ખળમાં ફટકડાનો તણખો પડતા આગ લાગી હતી. આથી ફાયરબ્રિગેડ દોડી ગયું હતું અને મુદામાલમાં ભંગાર થયેલા વાહનોમાં આગ પ્રસરે તે પહેલા જ આગ બુઝાવી નાખી હતી. આ ઉપરાંત યુનિવર્સિટી રોડ પંચાયતનગર, રામ પાર્ક મેઈન રોડ, સિધ્ધનાથ મહાદેવ મંદિરની સામે ખુલ્લા પ્લોટમાં ફટાકડાનો તણખો પડવાથી આગ લાગી હતી. ત્યાં પડેલો સેન્ટીંગનો સામાન ફાયરબ્રિગેડે આગતી બચાવી લીધો હતો.
આ સિવાય શહેરના પ્રહલાદ પ્લોટ-૧માં દુકાનમાં આગ લાગ્યાની ખબર મળતા ફાયર ફાઈટર દોડી ગયેલું આગ વીજ થાંભલામાં શોટ સર્કિટ થતા લાગી હોવાનું માલુમ પડ્યું હતું, ઉપરાંત દુકાનના રવેશના ભાગમાં કચરો પડ્યો હોય તેમાં આગ પ્રસરી હતી. આગ બૂઝાવી ડિસન્સ મેન્સવેર શુટ એન્ડ શેરવાનીની દુકાન હતી તેનો સંપૂર્ણ માલ બચાવી લેવાયો હતો. શાપરમાં શાંતિ સોસાયટીમાં શેરી નં.૧માં બંધ પડેલ મેટાડોર ટ્રકમાં આગ લાગી હતી. ઓઈલ ફીલ્ટરના મશીનમાં કોઈ કારણોસર આગ લાગેલી પાણીનો મારો ચલાવી આગ ફાયરબ્રિગેડે બુઝાવી હતી. શાસ્ત્રીનગર શેરી નં.૫માં બંધ મકાનમાં રવેશમાં આગ લાગી હતી. જોકે, ફાયર ટીમે આગ બૂઝાવી હતી. ફટાકડાનો તણખો પડતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. રૈયા ગામ ગંગોત્રી પાર્કમાં મેઈન રોડ પર નાલાની બાજુમાં આવેલા પ્લાયવુડના કચરામાં આગ લાગી હતી. જેમાં પાણીનો મારો ચલાવી ફાયર વિભાગે બૂઝાવી હતી. આ ઉપરાંત માયાણી ચોક નજીક પાર્ક કરેલી ત્રણ કારમાં અચાનક આગ લાગતા કારો બળીને ખાખ થઈ હતી.