અમદાવાદમાં નારોલની ટેક્સટાઇલ કંપનીમાં લાગી આગ, ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ
અમદાવાદમાં ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓનો શિલશિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં નારોલમાં કાપડ બનાવતી એક કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર નારોલમાં કાપડ બનાવતા યૂનિટ બાલકૃષ્ણ ટેક્સટાઇલમાં શુક્રવારે ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જેને લઇને ભારે દોડધામ મચી જવા પામી હતી. નારોલ ટેક્સટાઇલ કંપનીમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો 13 ગાડીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. પાણીનો સતત મારો ચલાવી ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી. આગ કેવી રીતે લાગી તે પાછળનું કારણ જાણી શકાયું નથી.