દામનગરની મેઇન બજારની કટલરીની દુકાનમાં મોડી રાતે આગ લાગી
અમરેલી જિલ્લામાં આવેલા દામનગર શહેરમાં મોડી રાતે મુખ્ય બજારની કટલરીની દુકાનમાં આગ લાગવાની ઘટના બનતા થોડીવાર માટે અફરા તફરી સર્જાઇ હતી. દુકાનમાં આગ લાગતા આસપાસની દુકાનો પણ લપેટમાં આવે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી આવી હતી.
સ્થાનિક લોકો અને ફાયર વિભાગ ટીમે આગ બુજાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ કંટ્રોલમાં આવી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યુ છે. જ્યારે દુકાનમાં રહેલો કટલરીનો સામાન આગમાં બળીને ખાખ થતા દુકાનદારને ભારે નુકસાન થયું છે.