ત્રિપુરામાં કાર્યાલયમાં આગ અનેક કાર્યકરો ઘાયલ
ભાજપ અને સીપીઆઈ વચ્ચે હિંસક અથડામણો ચાલુ છે. જાણવા મળ્યા મુજબ પૂર્વ મુખ્યમંત્રી માનિક સરકાર ધાનપુર એક કાર્યક્રમમાં હિસ્સો લેવા ગયા હતા ત્યાં ભાજપના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો. તે દરમિયાન સીપીએમ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે ઉદયપુરમાં ઘાયલ થયેલા ભાજપના કાર્યકરોની ઈજાઓ ગંભીર છે અને ત્યાં હવે આ પ્રકારે સંઘર્ષ ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
પોલીસે જણાવ્યું કે, ઉદયપુરમાં પણ ભારે ભીડ જામી હતી અને તેને કાબૂમાં લેવા પોલીસે ભારે મહેનત કરવી પડી. સીપીએમના નેતા બિજન ધારે જણાવ્યું કે, તેઓ પાર્ટી કાર્યાલય જોવા ગયા હતા તે સમયે તેમની ગાડી પર હુમલો થયો અને તેને આગ ચાંપી દેવામાં આવી. ઉપરાંત પૂર્વ મંત્રી રતન ભૌમિકની ગાડીને પણ આગના હવાલે કરી દેવાઈ હતી.
ત્રિપુરામાં ભાજપ અને સીપીઆઈ (એમ)ના કાર્યકરો વચ્ચે ઝગડો થયો હતો અને તે એટલી હદે વધી ગયો કે બંને પાર્ટીઓના કેટલાક કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા છે. જાણવા મળ્યા મુજબ ગોમતી જિલ્લાના ઉદયપુર શહેરમાં સીપીએમ યુથ વિંગ ફેડરેશન દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. તે સમયે ભાજપના કેટલાક કાર્યકરો ત્યાંથી પસાર થયા હતા અને સીપીઆઈના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. ભાજપનું એક જૂથ ત્યાં હાજર હતું અને હુમલો થયા બાદ બંને પક્ષ વચ્ચે જોરદારની મારપીટ થઈ હતી અને અનેક કાર્યકરો ગંભીર રીતે ઘવાયા હતા. વાત આટલેથી જ ન અટકતાં અન્ય જિલ્લાઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. અગરતલા, બિશાલગઢ અને કૈથલા ખાતે સીપીએમના કાર્યાલયોને આગ ચાંપી દેવામાં આવી હતી અને ભારે તોડફોડ કરવામાં આવી હતી.