હાડેવા ગામમાં ગૌચરની જમીન પર ખેતી થતી હોવાના આક્ષેપ સાથે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી કરાઇ ફરિયાદ
ખેડા જિલ્લાના માતર તાલુકાના છેવાડાના હાડેવા ગામમાં ગૌચરની જમીન પર લાંબા સમયથી ગામના માથાભારે નાગરિકો દ્વારા જુદા જુદા પાકોની ખેતી કરવામાં આવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એક અરજદાર દ્વારા સમગ્ર મામલાની ફરિયાદ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી કરવામાં આવી છે. જોકે જિલ્લાનું વહીવટી તંત્ર માત્ર પગલા ભરવાની વાત કરી સંતોષ માની રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
માતર તાલુકાના છેવાડાના ગામ હાડેવામાં ગ્રામ પંચાયત હસ્તકની ૫૦ વીઘા કરતાં પણ વધારે ગૌચરની જમીન આવેલી છે. સામાન્ય રીતે ગૌચરની જમીનનો ઉપયોગ ગામના પશુપાલકોના પશુઓને ચરાવવા માટે થતો હોય છે, પણ આ વાત હાડેવા ગામના પશુપાલકોને લાગુ પડતી નથી, કારણ કે ગામના કેટલાક માથાભારે નાગરિકો દ્વારા ગૌચરની જમીન પર કબ્જા કરી છેલ્લા ઘણા વર્ષોથી સરકારી જમીન પર ખોટી રીતે જુદા જુદા પાકનું વાવેતર કરી આર્થિક ફાયદો મેળવી રહ્યાં છે.
ગામના અન્ય પશુપાલકોને ગૌચરની જમીન પર પ્રવેશબંધી ફરમાવી દેતા ગામના એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર મામલાની માતર તાલુકા વિકાસ અધિકારી, ખેડા જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર અને પ્રધાનમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે. હાડેવા ગામની ગૌચર જમીન પર ખોટી રીતે હક્ક જમાવી પાક ઉગાડતાં હોવાની લેખિત રજૂઆતને પગલે ખાનગી સમાચાર ચેનલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શિવાની અગ્રવાલનો સંપર્ક કરવામાં આવ્યો. જોકે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ‘સમગ્ર મામલે જોઈ લઈશું, શું કાર્યવાહી કરાય તે અંગે અરજી જોઈ તપાસ કરી લઈશું’ જેવા સરકારી જવાબો આપવામાં આવ્યા હતા.
*ફોટો પ્રતિકાત્મક