વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રવેશદ્વારે કદંબનું વૃક્ષ વાવ્યું
જ-માર્ગ પર રાજભવન અને મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાનને અડીને સર્કિટ હાઉસ સુધીના ૮૦૦ મીટરના વિસ્તારમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો સાથે સુમેળ સાધતા ફૂલછોડોનું વાવેતર કરાશે
વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રવેશદ્વારે કદંબનું વૃક્ષ વાવ્યું હતું. તેમણે સૌને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
ગાંધીનગરમાં જ-માર્ગ પર રાજભવન અને મુખ્યમંત્રીના નિવાસસ્થાનને અડીને સર્કિટ હાઉસ સુધીના ૮૦૦ મીટરના વિસ્તારમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો સાથે સુમેળ સાધતા ફૂલછોડોનું વાવેતર કરાશે. આ આયોજનના ભાગરૂપે થઈ રહેલા વૃક્ષારોપણમાં રાજ્યપાલશ્રીએ કદંબનું વૃક્ષ વાવ્યું હતું.
રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ રાજેશ માંજુ, પરિસહાય વિકાસ સુંડા (આઇપીએસ), મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી પ્રણવ પારેખ, પરાગ શાહ,
વન વિભાગના અધિકારીઓ આર. આર. ચૌધરી અને સી. ડી. વસાવા પણ વૃક્ષારોપણમાં જોડાયા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કામધેનુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ પહેલાં યુનિવર્સિટીના પરિસરમાં સેવન-શ્રીપર્ણીનું વૃક્ષ વાવ્યું હતું. કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિકાસ મંત્રી પરષોત્તમ રૂપાલા અને રાજ્યના કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે પણ રાજ્યપાલશ્રી સાથે સેવનનું વૃક્ષ વાવ્યું હતું.