વર્ષ-૨૦૨૦ની સિંહોની વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં ૨૮.૮૭ ટકાનો વધારો, સંખ્યા વધીને ૬૭૪ થઈ
રાજ્યમાં વર્ષ ૨૦૨૦માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં સિંહોની કુલ સંખ્યા ૬૭૪ જેટલી થઈ છે. એટલે કે, સિંહોની અગાઉની વસ્તી ગણતરી પછીના પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં ૧૫૧ જેટલો વધારો થયો હોવાની વિગતો વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. આ અગાઉ વર્ષ ૨૦૧૫માં સિંહોની ગણતરી કરવામાં આવી હતી, ત્યાર બાદ કુલ ૨૮.૮૭ ટકા જેટલો વધારો નોંધાયો છે.
રાજ્યની ૧૫મી વિધાનસભાનું બીજું સત્ર હાલ ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યમાં સિંહોની સંખ્યા તેમજ સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પગલાંઓ વિશેના પ્રશ્ન સંદર્ભે વિગતો રજૂ કરવામાં આવી હતી. જે અનુસાર, રાજ્યમાં છેલ્લે સિંહોની વસ્તી ગણતરી વર્ષ ૨૦૧૫માં કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૨૦માં કરવામાં આવેલા પૂનમ અવલોકન અનુસાર સિંહોની સંખ્યામાં ૧૫૧ જેટલો વધારો થતાં ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા ૬૭૪ પર પહોંચી છે. જે મુજબ ૨૦૬ નર, ૩૦૯ માદા અને ૨૯ બચ્ચાં હતાં, જ્યારે ૧૩૦ સિંહોની જાતિની ઓળખ થઈ શકી નથી.
દરમિયાન, સિંહોના અકુદરતી મૃત્યુ અટકાવવા માટે તેમજ તેમના સંવર્ધન અને સંરક્ષણ માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમ કે, અકસ્માત વખતે સિંહોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે લાયન એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે તેમજ વેટરનરી ઓફિસર, રેસ્ક્યુ માટે રેપિડ એક્શન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરી ટ્રેકર્સની નિમણૂક કરવામાં આવી છે. સક્કરબાગ, દેવળીયા સફારી પાર્ક, આંબરડી તથા જીનપુલમાં વેક્સિનેશન પણ કરાયું છે.
આ સિવાય, ગીર બોર્ડર અને તેની આસપાસના રેવન્યૂ વિસ્તારોના ખુલ્લા કૂવાઓને પારાપેટ વોલ બાંધવામાં આવી છે તેમજ સાસણમાં હાઇટેક મોનિટરિંગ યુનિટની સ્થાપના કરી, કુલ ચાર ચેકનાકા પર સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે. આ સિવાય, સમયાંતરે પોલીસ, વન વિભાગ અને પી.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ પણ હાથ ધરાય છે. તમામ સિંહોને રેડિયો કોલરિંગ પણ કરવામાં આવેલા છે. જેથી સિંહોના અકુદરતી મૃત્યુ અટકાવી શકાય.