નવસારીના ચીખલીમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા
રાજ્યમાં હવામાન વિભાગએ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી હતી જે આજે સાચી ઠરી છે,નવસારીના ચીખલીમાં આજે કમોસમી વરસાદ વરસતા શેરડી, કેરી,શાકભાજી વાવતા ખેડૂતોમાં માવઠાને કારણે ચિંતા જન્માવી છે. આ માવઠાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાની થઈ શકે છે.જેમાં કેરીના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. આ ઉપરાંત આંબા ઉપર મંજરી સાથે ફ્રૂટ સેટિંગ થઈ રહ્યું છે,જેમાં વરસાદ વિઘ્ન ઊભું કરશે અને ગુણવત્તા વિહીન પાકની આવક પર સુધી અસર થશે. સાથે જ ફૂગજન્ય રોગ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે છેલ્લા ૧૦ વર્ષમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ચોમાસુ જાણે બારેમાસ રહેતું હોય એવી સ્થિતિ બે વર્ષોથી જોવા મળી રહી છે. આ વર્ષે પણ ઉનાળાની શરૂઆતમાં માવઠુ શરૂ થયું છે.
શિયાળો અને ઉનાળામાં માવઠું થવું એ હવે આમ વાત બની હોય તેમ બંને સિઝનમાં માવઠું ખેડૂતોનો ખેલ બગાડે છે જેથી હવે ખેડૂતો એ કુદરત સામે મીટ માંડી છે. દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં આંબાના પાક મોટી સંખ્યામાં કરવામાં આવે છે અહીંની કેરી સમગ્ર દેશમાં વખણાય છે ત્યારે આંબા ઉપર મંજરી સાથે ફ્રૂટ સેટિંગ થઈ રહ્યું છે.કેટલાક આંબા પર કેરી દેખાય પણ રહી છે. ત્યારે બદલાયેલું વાતાવરણ સાથે માવઠું આંબાના માટે નુકસાની લાવી શકે છે. ગત વર્ષે પણ શિયાળામાં માવઠું થતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો હતો. આ વર્ષે પણ હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. તો શાકભાજી કેરી સહિતના પાકોને વ્યાપક નુકસાન થઈ શકે તેમ છે. નવસારી જીલ્લો બાગાયતી પાકોનું નંદનવન કહેવામાં આવે છે તેવામાં મહા મુશ્કેલીએ વાવેલા પાક પર માવઠું આર્થિક નુકસાની સાથે નિરાશા લાવી શકે છે.