હવામાનની વધતી જતી વિપરીત અસરો કૃષિ વ્યવસ્થાતંત્ર અને ખેડૂતો માટે સૌથી મોટો પડકાર, કુશળ ખેતી અનિવાર્ય : કૃષિ મંત્રી રાઘવજી પટેલ
બદલાતા હવામાનમાં કુશળ ખેતી વિષય પર આયોજિત કાર્યશાળાને સંબોધિત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, હવામાનની વધતી જતી વિપરીત અસરો કૃષિ વ્યવસ્થાતંત્ર અને ખેડૂતો માટે સૌથી મોટો પડકાર છે. કૃષિ વિકાસ તંત્ર- કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓએ આ માટે અગમચેતીના પગલા લેવા જોઇએ અને ખેડૂતોને આ પરિસ્થિતિમાં કુશળ ખેતી કેવી રીતે કરી શકાય તેનુ સતત માર્ગદર્શન સ્થળ પર આપવું જોઇએ.
એન.સી.સી.એસ.ડી. અને ગુજરાત કૃષિ વૈજ્ઞાનિક સંસ્થા દ્વારા આયોજીત કાર્યશાળામાં મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં બદલાતા હવામાનમાં કુશળ ખેતી શરૂ કરાવી હતી અને હાલમાં પણ અમલમાં છે.
મંત્રીએ કહ્યું કે, કુશળ ખેતી કરવા માટે પાણીનો સંગ્રહ કરવા મોટા પાયે ચેક ડેમ અને તળાવો બાંધવાના કાર્યક્રમ હેઠળ ૨ લાખથી વધુ ચેક ડેમ અને તળાવો બાંધવામાં આવ્યા હતા. કુશળ અને કીફાયત રીતે પાણીનાં ઉપયોગ માટે ડ્રીપ સ્પીંકલર સિંચાઇ યોજના અને તે માટે ખાસ સંસ્થા ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપનીની સ્થાપના કરવામાં આવી છે. ખેડૂતો જમીનની ફળદ્રુપતા ચકાશી પાક પસંદ કરે તે માટે ‘સોઇલ હેલ્થ કાર્ડ’ દરેક ખેડૂતને આપવામાં આવ્યા છે. ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
મંત્રીએ ખાસ ધ્યાન દોરતાં કહ્યું કે, જીલ્લા ખેતીવાડી અધિકારી અને નાયબ નિયામકઓ સરદાર સરોવર નિગમના સ્થાનિક ઇજનેર સાથે સંકલન કરીને ખેડૂતો પાણી પ્રાપ્ત કરે તે માટે પ્રયત્ન કરવા જોઈએ. હવામાનનો મેટરોલોજી વિભાગ એગ્રોમેટ પૂના દ્વારા તાલુકાવાર આગાહી આપવામાં આવે છે આ માહિતી પ્રાપ્ત કરી જીલ્લા અને તાલુકા કક્ષાએ પ્રસારીત કરવી જોઇએ. આ જવાબદારી ખાસ કરીને દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ અને વાઇસ ચાન્સલર નિભાવે, જેથી હવામાનના સાથે કૃષિ માર્ગદર્શન પણ ઉપલબ્ધ રહે.
આ બેઠકમાં નવા એગ્રોક્લાઇમેટ ઝોન રચના, દરિયાઈ વિસ્તારોમાં વધતી ખારાશ અટકાવવા આડબંધ, વખતો વખત હવામાનના ખતરા સામે કૃષિ માર્ગદર્શન, આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા સમીતીનું ગઠન કરી સમીક્ષા કરવા સહિતના જરૂરી સૂચનો ભૂતપૂર્વ કૃષિ સચિવ ડૉ. કિરીટ શેલત દ્વારા કરવામાં આવ્યા હતા. જેને મંત્રીએ આવકાર્ય હતા અને વિભાગને તથા કૃષિ યુનિવર્સીટીઓને તેનો અમલ કરવાની સૂચના આપી હતી.
આ કાર્યશાળામાં ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર ડો. અરવિંદ પાઠક, રાજ્ય કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને વૈજ્ઞાનિક, કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારી અને નીતિ આયોગનાં વરિષ્ઠ સલાહકાર ડૉ. નિલમ પટેલ તેમજ ડૉ. સિંગે પણ આ પરિસંવાદમાં ભાગ લીધો હતો.