રિસાઈકલ પ્લાસ્ટિક બોટલથી બનેલી PM મોદીની આ જેકેટ બની ચર્ચાનો વિષય
પીએમ મોદીની વેશભૂષા હંમેશા ચર્ચામાં રહે છે. પછી ભલે તે પ્રજાસત્તાક દિવસ હોય કે સ્વતંત્રતા દિવસનો સમારોહ. આ વખતે પીએમ મોદીની જેકેટ ચર્ચામાં રહી છે. જોકે ખાસ વાત તો એ છે કે આ જેકેટ રિસાઈકલ કરેલી પ્લાસ્ટિકની બોટલથી તૈયાર કરાઈ હતી. પીએમ મોદી બુધવારે બજેટ સત્ર દરમિયાન આ જેકેટ પહેરીને સંસદમાં પહોંચ્યા હતા. બુધવારે સંસદમાં પીએમ મોદી જે જેકેટ પહેરીને આવ્યા હતા તે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન તરફથી તેમને ભેટ કરવામાં આવી હતી.
પીએમઓના અહેવાલ અનુસાર પીએમ મોદીએ સોમવારે જ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં ભારત ઊર્જા સમારોહનું ઉદઘાટન કર્યું હતું. તે દરમિયાન તેમણે ઈન્ડિયન ઓઈલ દ્વારા તૈયાર કરાયેલા અનબોટલ્ડ પહેલ હેઠળ યુનિફોર્મ પણ લોન્ચ કર્યું હતું. પીએમઓએ જણાવ્યું કે ઈન્ડિયન ઓઈલે રિટેલ કસ્ટમર અટેન્ડેન્ટ્સ અને એલપીજીની ડિલીવરી કરનારા કર્મચારીઓ માટે આ પ્રકારની યુનિફોર્મ અપનાવવાનો ર્નિણય કર્યો છે.
એક યુનિફોર્મ તૈયાર કરવા માટે પ્લાસ્ટિકની ૨૮ બોટલોનો ઉપયોગ થશે. નોટિફિકેશનમાં જણાવાયું હતું કે ઈન્ડિયન ઓઈલ આ પહેલને અનબોટલ્ડ રિસાઇકલ પોલિયેસ્ટરથી બનેલા મર્ચેન્ડાઈઝ માટે લોન્ચ કરાયેલા સસ્ટેનેબલ ગારમેન્ટ્સ માટે એક બ્રાન્ડના માધ્યમથી આગળ લઈ જશે. માહિતી અનુસાર આ બ્રાન્ડ હેડળ ઈન્ડિયન ઓઈલ સૈન્ય માટે બિન-લડાકૂ યુનિફોર્મ, સંસ્થાનો માટે યુનિફોર્મ અને રિટેલ ગ્રાહકો માટે પણ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે.