ઠંડીના વર્તાવેલ કહેરને કારણે દેશભરના કેટલાક રાજ્યોમાં શાળાઓ બંધ રાખવાના આદેશ કર્યા
દેશભરમાં ઠંડીના કહેર વર્તાઈ રહ્યો છે. તેને જોતા કેટલાય રાજ્યોમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે અમુક જગ્યાએ શાળાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સ્તર પર અથવા જિલ્લા પ્રશાસન સ્તર પર સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ જ ક્રમમાં ચંડીગઢ, જયપુર, નોઈડા, ગાજિયાબાદ, પટવા સહિત અન્ય જિલ્લામાં સ્કૂલો બંદ કરી દેવામાં આવી છે.
ચંડીગઢમાં સતત પડી રહેલી ઠંડીના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી છે. આ રજાઓ ઉત્તરાયણ સુધી એટલે કે, ૧૪ જાન્યુઆરી સુધી રહેશે. ચંડીગઢ જિલ્લા શિક્ષણ વિભાગે ૮માં ધોરણ સુધીના બાળકો માટે ૧૪ જાન્યુઆરી સુધી ઠંડીની રજાઓ જાહેર કરી છે. તો વળી ધોરણ ૯થી ૧૨ માટે ૯ જાન્યુઆરી સુધી રજા જાહેર કરી છે.
જયપુરમાં પણ આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા જોતા રજાઓ લંબાવી દેવામાં આવી છે. જે બાદ હવે ૭ જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રહેશે. તો વળી રાજ્યના જિલ્લા કલેક્ટરોને અધિકાર છે કે, તે ૧૫ જાન્યુઆરી સુધી પોતાના સ્તર પર સ્કૂલોમાં રજા જાહેર કરી શકે છે. નોઈડા જિલ્લા પ્રશાસને પણ ૧થી ૮ ધોરણ સુધીના બાળકોને ૧૪ જાન્યુઆરીની રજા જાહેર કરી દીધી છે. આ દરમિયાન તમામ બોર્ડની સ્કૂલો બંધ રહેશે. તો વળી ૯થી ૧૨ ધોરણના ક્લાસ સવારે ૧૦ વાગ્યાથી લાગશે. ગાજિયાબાદમાં પણ ૧થી ૮ ધોરણ સુધીના બાળકો માટે ૭ જાન્યુઆરી સુધી સ્કૂલ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. પટના ડીએમ ચંદ્રશેખર સિંહે ધોરણ ૧૦ સુધીના બાળકો માટે ૭ જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવાના આદેશ આપ્યા છે.