પાકિસ્તાનમાં તમામ લોકોએ સાંજ પડતા પહેલા બજારમાં પોતાનું કામ પૂરું કરી લેવું પડશે, જ્યારે લગ્ન પણ રાત પડતા પહેલા કરવા પડશે
પાકિસ્તાનમાં ઉર્જા સંકટ વધુ ઘેરાઈ રહ્યું છે. આર્થિક સંકટની સાથે ભારતનો પાડોશી દેશ પણ વિજળી સંકટનો સામનો કરી રહ્યો છે. દેશમાં સતત વધી રહેલા ઉર્જા સંકટને રોકવા માટે સરકારે ઉર્જા સંરક્ષણ યોજનાને મંજૂરી આપી છે. આ કાયદા અનુસાર હવે દેશમાં બજારો માત્ર ૮ઃ૩૦ વાગ્યા સુધી જ ખુલ્લી રહી શકશે અને લગ્ન હોલ પણ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરી હતી. સરળ રીતે જો અમે જણાવીએ તો હવે પાકિસ્તાનમાં તમામ લોકોએ સાંજ પડતા પહેલા બજારમાં પોતાનું કામ પૂરું કરી લેવું પડશે, જ્યારે લગ્ન પણ રાત પડતા પહેલા કરવા પડશે. વીજળી બચાવવા માટે સરકારે આવો ર્નિણય લીધો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન હાલમાં ચારે બાજુ સંકટથી ઘેરાયેલું છે. દેશ ઉર્જા સંકટ અને ઉચ્ચ સ્તરની મોંઘવારીનો સામનો કરી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને જૂનમાં દેશમાં આવેલા વિનાશક પૂરના કારણે પાકિસ્તાનની ઊર્જા સંકટમાં વધારો થયો છે.
ઉર્જા વિભાગની ભલામણ પર, કેબિનેટે ઊર્જા બચત યોજનાના અમલીકરણને મંજૂરી આપી છે, જે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.” સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે તમામ સંઘીય સરકારી વિભાગોને વીજળીનો ઉપયોગ ૩૦ ટકા ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે. પીએમ શરીફે ઓફિસોમાં વીજળીના વ્યર્થ ઉપયોગ સામે પણ નિર્દેશ આપ્યો છે. આ નવી યોજનાને એવા સમયે મંજૂરી આપવામાં આવી છે જ્યારે ઘણા નિરીક્ષકો અને નિષ્ણાતોએ પાકિસ્તાનની નાદારી અંગે ખતરાની ઘંટડી વગાડી છે.
એશિયન ડેવલપમેન્ટ બેંક તેના સેન્ટ્રલ એશિયા રિજનલ ઇકોનોમિક કોઓપરેશન એનર્જી આઉટલુક ૨૦૩૦ માં પાકિસ્તાનના ઉર્જા ક્ષેત્ર સાથેના અન્ય મુખ્ય મુદ્દાઓને હાઇલાઇટ કરે છે. પાકિસ્તાનના ઘણા ભાગોમાં લાંબા સમય સુધી ભારે વીજ કાપ જોવા મળ્યો, જેનાથી રોજિંદા જીવન અને વ્યવસાયો ખોરવાઈ ગયા.