પાલોદ ગામની સીમમાં ફટાકડા એન્ડ જનરલ સ્ટોરની દુકાનમાં આગ લાગી
સુરત જિલ્લાના કિમ ચાર રસ્તા નજીક પલોદ ગામની સીમમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. જ્યાં રહેણાંક એપાર્ટમેન્ટના નીચેના ભાગે આવેલા જનરલ સ્ટોરની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કરીયાણાની દુકાનમાં ફટાકડા હોવાથી આગની ચપેટમાં આવતા આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ફાયર વિભાગની ૩ જેટલી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. કિમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમમાં બેંક ઓફ ઇન્ડિયાની નજીક કનક નિધિ એપાર્ટમેન્ટ આવેલો છે. જે એપાર્ટમેન્ટના નીચે આવેલ પપ્પુ ફટાકડા એન્ડ જનરલ સ્ટોર નામની દુકાનમાં સવારેના સમયે અચાનક આગ લાગવાની ઘટના બની હતી.
દિવાળીમાં વેચવા માટે દુકાનમાં રાખેલા ફટાકડાના કારણે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક પછી એક ફટાકડા ફૂટતા રહેણાંક એપાર્ટમેન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા સુમિલોન ફાયર વિભાગની ટીમની ૧ ગાડી અને કામરેજ ફાયર વિભાગની ટીમની ૨ ગાડી તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સતત દોઢ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. દુકાનમાં આગ શોર્ટસર્કિટનાં કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જે ઘટનામાં દુકાનમાં રહેલા ફટાકડા અને કરિયાણાનો અંદાજીત ૧૦ લાખથી વધુનો માલ સમાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.